Rajkot,તા.08
રાજકોટના વેપારી સામે મોરબીના વેપારીએ કરેલ ચેક રિટર્નના કેસમાં ફરિયાદી દ્વારા પાઠવવામાં આવેલી નોટિસમાં 18 % વ્યાજની ડિમાન્ડ કરવામાં આવેલી હોય જેની સામે રાજકોટના વેપારીએ મોરબીના કારખાનેદાર સામે હાઇકોર્ટમાં માંગેલી દાદમાં પ્રોસિડિંગ્સ સ્ટે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
મોરબી શહેરના લતીપર રોડ પર રહેતા અને આરટાશીયા પોલીફેબ એલ.એલ.પી.ના નામથી કામ કરતી પેઢી પી.પી.વૂવન લેમિનેટેડ ફેબ્રિક બનાવવા વેંચવા અને એકસ્પોર્ટ કામ કરતા પાર્ટનર સાગરકુમાર મનસુખલાલ પરસાણીયા પાસેથી રાજકોટના કે.કે. પોલીબેગના માલિક મોહિત કિશોરભાઈ વસવેલીયાએ માલની કરેલી ખરીદી પેટે બાકી રહેતી રકમ ચૂકવવા આપેલો
રૂ. 6.93 લાખનો ચેક બેંકમાંથી રિટર્ન થયો હતો. તે અંગે નોટિસ આપવા છતાં નોટીસ પીરીયડમાં ડિસઓનર થયેલ ચેકની રકમ નહીં ચુકવતા મોરબી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દરમિયાન આરોપીને ફરીયાદી દ્વારા અગાઉ પાઠવવામાં આવેલ નોટિસમાં ૧૮% વ્યાજની ડિમાન્ડ પણ સાથે કરવામાં આવી હોય, જે ડિમાન્ડને કાયદાની પરિભાષામાં ‘ઓમનીબસ (સર્વગ્રાહી) ડિમાન્ડ’ ગણવામાં આવે છે. તે પ્રકારે ચેક ડિસઓનરની નોટીસમાં ડિમાન્ડ કરી શકાતી નથી, તે કાનુની મુદા ઉપર આરોપી મોહિત કિશોરભાઈ વસવેલીયાએ હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરી છે. જે પિટિશનમાં હાઈકોર્ટે મુળ ફરીયાદી સાગર મનસુખલાલ પરસાણીયાને નોટિસ કરવા આદેશ કરી મોરબી કોર્ટમાં ચેક ડિસઓનરની ફરીયાદના પ્રોસિડિંગ્સ સ્ટે કરી છે. આ કેસમાં હાઈકોર્ટના એડવોકેટ બ્રિજ વિકાસ શેઠ તેમજ મોરબીમાં ફોજદારી ફરીયાદમાં એડવોકેટ વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, ચિરાગ કારીયા (મોરબી), પ્રકાશ બેડવા, ફાતેમા ભારમલ વિગેરે વકીલ તરીકે રોકાયા છે.