Ahmedabad,તા.28
રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો મામલો હાઇકોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. જે કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, ‘પ્લાસ્ટિકના દૂષણને નાથવા માટે હવે પાલિકાઓને સંવેદનશીલ બનાવવાના બદલે તેમને અમલ કરાવવાની ફરજ પાડવાની જરૂર છે.
બેગ વેન્ડિંગ મશીન્સ વિવિધ સ્થળોએ લગાવવામાં આવી છે. જેમાં મોલ્સ, હોસ્પિટલ્સ, શાકમાર્કેટ, મેડિકલ સ્ટોર્સ વગેરેનો સમાવેશ છે, પરંતુ આ મશીન્સ દેખાય એવી રીતે મૂકવામાં આવે.
તે સિવાય અંબાજી, ગિરનાર, ગીર-સોમનાથ, દ્વારકા જેવા પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ મૂકવામાં આવે. આવા મશીનો હશે તો પ્લાસ્ટિકના પ્રદૂષણનું ડિસ્પોઝલ યોગ્ય રીતે થઈ શકશે.’ હાઈકોર્ટે ઉક્ત ટકોર કરતાં કેસની વધુ સુનાવણી જુલાઇના પ્રથમ શુક્રવારે મુકરર કરી છે.
રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યની જૂની મનપામાં આઠમાં ખછઋ (મટિરિઅલ્સ રિકવરીફેસિલિટી) ઉપલબ્ધ છે. છ મનપામાં મિકેનિકલ અને બે મનપામાં મેન્યુઅલ ચાલે છે. તેથી બે મનપાને મેન્યુઅલથી મિકેનિકલ ફેસિલિટી તરફ વળવાની સૂચના આપી દેવાઈ છે.’ હાઇકોર્ટે ટકોર કરી હતી કે, આ સંસ્થાઓ જોડે પૂરતી નાણાકીય વ્યવસ્થા છે કે કેમ તે પણ ચકાસવું જોઇએ. રાજ્ય સરકારે તેમને મદદરૂપ થવું જોઇએ.
કેસની સુનાવણી દરમિયાન ઓખા નગરપાલિકા તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, ’મટિરિઅલ્સ રિકવરી ફેસિલિટીનું બાંધકામ થઈ ગયું છે.
પ્રોજેક્ટ રિપોર્ટ ફાઈલ થઈ ગયો છે. ટેકનિકલ સેંક્શન પણ મળી ગયું છે અને એકવાર નગરપાલિકાને ફંડ મળી જશે તો તેઓ મશીનો વસાવી લેશે.’
હાઈકોર્ટે એવો સવાલ કર્યો હતો કે, ‘આ બધું પૂર્ણ કરી સિસ્ટમ ચાલુ કરવામાં કેટલો સમય લાગશે.’ ત્યારે નગરપાલિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર જોડેથી જરૂરી ભંડોળ મળી જાય એટલે સમગ્ર સિસ્ટમ ચાલુ થઈ જશે.’ હાઈકોર્ટે ટકોર કરી હતી કે, ‘ઓખા નગરપાલિકા તો એક સમૃદ્ધ નગરપાલિકા હોવી જોઈએ. ઓખા અને બેટદ્વારકા બંને વિસ્તારો વિકસીત થઈ રહ્યા છે. તમે ટેક્સ યોગ્ય રીતે નહીં લેતાં હોવ. સરકારના ભંડોળ ઉપર જ તમારે નિર્ભર રહેવું જોઇએ નહીં.
સરકાર પણ ઓખા નગરપાલિકાની વિનંતી ઉપર ધ્યાન આપે.’ આ કેસમાં મૂળ ગિરનાર પર્વતપરના મંદિરો ખાતે પ્લાસ્ટિક વેસ્ટ અને ગંદકી મામલે જાહેરહિતની અરજી થઇ હતી. જેમાં હવે રાજ્યમાં મહાનગર = પાલિકાઓ અને નગર પાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટનો કેવી રીતે નિકાલ કરાય છે.
ત્યાં કેવા પ્રકારની ફેસિલિટી – ઉપલબ્ધ છે, તેની ઉપર સુનાવણી ચાલી રહી છે. જે કેસમાં હાઈકોર્ટે દરેક મહાનગરપાલિકા નગર પાલિકાઓમાં જરૂરિયાત મુજબની સુવિધાઓ છે કે કેમ અને તે યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તે ચકાસવા GPCB ને નિર્દેશ આપ્યા હતા.