Ahmedabad,તા.10
વર્ષ 2002ના ગુજરાત રમખાણો સંબંધિત એક કેસમાં, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે અને ગોધરા ફાસ્ટ ટ્રેક સેશન્સ કોર્ટના વર્ષ 2003ના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે.
આ નિર્ણયના પગલે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા નિર્દોષ છોડવામાં આવેલા ત્રણ વ્યક્તિઓ – જગદીશ ત્રિવેદી, રમેશ ડામોર અને મોહન પંચાલ – ગુજરાત હાઈકોર્ટમાંથી પણ નિર્દોષ જાહેર થયા છે.
આ સમગ્ર મામલો વર્ષ 2002માં ખાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સાથે સંકળાયેલો છે. ફરિયાદી આરજુબેન શેખે ફરિયાદ નોંધાવી હતી કે ગુજરાત રમખાણો દરમિયાન તેમને ગામના ભરવાડ સમાજ દ્વારા હુમલો થવાની શક્યતાની જાણ કરવામાં આવી હતી.
આથી, તેઓ તેમના પરિવાર અને ગામના અન્ય 30 થી 35 પરિવારો સાથે સુરક્ષિત સ્થળે જવા માટે નીકળ્યા હતા, જેમાં એક ટેમ્પોમાં 40 જેટલા લઘુમતી સમુદાયના લોકો સવાર હતા.
ટેમ્પો જ્યારે કરાંતા જવા માટે લીંબડીયા ચાર રસ્તાથી ડાબી તરફ વળ્યો, ત્યારે તે તૂટી ગયો. તે જ સમયે, આશરે 100 જેટલા લોકોનું ટોળું `મારો કાપો’ કરતું ટેમ્પો ઉપર હુમલો કરવા આવ્યું. ટોળાએ હુમલો કરતાં ટેમ્પોમાંથી લોકો કૂદીને દોડવા લાગ્યા.
ફરિયાદી મહિલાનો પીછો કરીને કેટલાક લોકોએ તેમના હાથમાં તલવારના ઘા માર્યા. મહિલા મૃત્યુ પામ્યા હોવાનું નાટક કરીને કેબિન પાછળ પડી રહ્યા, ત્યારે તેમણે ટોળામાંથી કોઈને ટેમ્પો ઉપર કેરોસીન નાખીને સળગાવી દેવાની વાત સાંભળી, અને તે મુજબ કૃત્ય આચરવામાં આવ્યું.
ઘટના બાદ પોલીસે ફરિયાદીને લુણાવાડા હોસ્પિટલે સારવાર માટે લઈ જઈને ખાનપુર પોલીસ મથકે તેમની ફરિયાદ નોંધી. પોલીસે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ અને ભાગેડુ આરોપીઓ સામે પુરવણી ચાર્જશીટ દાખલ કરી હતી.
ગોધરા ફાસ્ટ ટ્રેક કોર્ટે ત્રણેય આરોપીઓને નિર્દોષ છોડ્યા બાદ રાજ્ય સરકારે 2004માં ગુજરાત હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારતી અપીલ દાખલ કરી હતી. સરકારે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તે સમયગાળામાં બે અલગ-અલગ ઘટનાઓ બની હતી.
જેને એક સાથે નોંધવામાં આવી છે, જ્યારે ખરેખર બે અલગ પોલીસ ફરિયાદ નોંધવાની જરૂર હતી. તેમણે કોર્ટને કોઈ સિનિયર ઓફિસરને કેસમાં ફરીથી તપાસના આદેશ આપવા વિનંતી કરી.
પીડિતાએ હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે તેમણે જે વ્યક્તિઓના નામ આપ્યા હતા, તેમને આરોપી બનાવાયા નથી. પોલીસ દ્વારા પંચનામામાં જે વ્યક્તિઓ પાસેથી હથિયાર મેળવ્યા, તેમના નામ પણ આરોપીઓમાં નથી.
પીડિતા પોતે ઘાયલ અને આંખે દેખ્યા સાક્ષી હોવા છતાં તેમના દ્વારા નામ આપવામાં આવેલા આરોપીઓ સામે કાર્યવાહી થઈ નથી. ફરિયાદીના પતિએ પણ સંતાઈને બે મૃતકોને ધારિયા મારતા જોયા હતા. પીડિત પક્ષે ફરીથી તપાસ અને ટ્રાયલની માંગણી કરી હતી.
કોર્ટે પોતાના ચુકાદામાં તપાસમાં રહેલી ખામીઓ અને પીડિતોના આક્ષેપો અંગે નોંધ લીધી હતી અને સિનિયર ઓફિસરને તપાસ સોંપવા અંગે સલાહ પણ આપી હતી. હાઈકોર્ટે આ કેસના પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોનું અવલોકન કર્યું.
કોર્ટે નોંધ્યું કે આ કેસમાં મોટાભાગના સાક્ષીઓ ફરી ગયાછે. કોર્ટે અવલોકન કર્યું હતુ કે ફરિયાદીએ ફરિયાદ કે તપાસના સ્થળે નહીં, પરંતુ ટ્રાયલ સમયે આરોપીઓના નામ આપ્યા છે.
ફરિયાદીએ પ્રોસિક્યુશનના કેસને ટેકો આપ્યો નથી કે કોઈ આરોપીનું નામ પણ આપ્યું નથી. ફરિયાદીના પતિએ અન્ય આરોપીઓના નામ આપ્યા છે, પરંતુ નિર્દોષ છૂટેલા ત્રણ વ્યક્તિઓના નામ આપ્યા નથી.
એક સાહેદે તો સ્પષ્ટ કહ્યું હતું કે ટોળામાં જગદીશ ત્રિવેદી, મોહન અને રમેશ ડામોર નહોતા. કોર્ટે જણાવ્યું હતુ કે કેસ શંકા રહિત પુરવાર કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નિવડ્યું છે. આથી, મોટાભાગના સાક્ષીઓ ફરી જતાં, નિર્દોષ છૂટેલા ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપવામાં આવ્યો છે.
આ આધારે, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની અપીલને નકારી કાઢી અને ગોધરા ફાસ્ટ ટ્રેક કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો, જેના પરિણામે ત્રણેય વ્યક્તિઓ નિર્દોષ જાહેર થયા.

