બાપુનગર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય વિનોદભાઈ ચેનારામ જોષી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી
Ahmedabad, તા.૨
અમદાવાદ સહિત રાજ્યમાં ડિજિટલ અરેસ્ટ સહિત ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ખાડિયા પોલીસે આવા જ એક નકલી જ્યોતિષ બનીને લોકો સાથે છેતરપિંડી આચરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય વિનોદભાઈ ચેનારામ જોષી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે ઇન્સ્ટાગ્રામ પર નકલી જ્યોતિષી બનીને લોકોને છેતરતો હતો.
આરોપી વિનોદ જાટ ઇન્સ્ટાગ્રામ પર અનેક ફેક એકાઉન્ટ્સ ચલાવતો હતો. તે પોતાને સાવરિયા જ્યોતિષ, તમન્ના જ્યોતિષ અને સંતોષી કૃપા જ્યોતિષ જેવા નામોથી ઓળખાવતો હતો. તે ઇન્સ્ટાગ્રામ પર મહા મોહિની વશીકરણ, લગ્ન સંબંધી સમસ્યાઓના નિવારણ, વિદેશ જવા માટેના વિઝા અને આધ્યાત્મિક ઉપચાર જેવી શક્તિશાળી તાંત્રિક વિધિઓ અંગે રીલ્સ અને વીડિયો અપલોડ કરતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આવા વીડિયો દ્વારા સરળતાથી વિશ્વાસ કરી લે તેવા લોકોને ટાર્ગેટ કરતો હતો. તે તેમને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપી વિશ્વાસમાં લેતો અને પછી ઓનલાઈન પૈસા પડાવતો હતો.
પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન અને ઓનલાઈન નાણાકીય લેવડદેવડ માટે ઉપયોગમાં લેવાયેલી બે બેંક પાસબુક જપ્ત કરી છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
પોલીસે લોકોને ઓનલાઇન છેતરપિંડી, ખાસ કરીને સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડીથી સાવધાન રહેવા માટે એક જાહેર સલાહ પણ આપી છે.
– ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, કે સ્નેપચેટ જેવી એપ્સ પરની આકર્ષક જાહેરાતો પર વિશ્વાસ ન કરો.
– અજાણી ફાઇલ ડાઉનલોડ કરવાનું કે અજાણ્યા સોર્સમાંથી મળતી નાણાકીય લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો.
– અજાણ્યા લોકોના વીડિયો કૉલનો જવાબ ન આપો.
– ડિજિટલ ધરપકડ ની ધમકીઓને અવગણો, કારણ કે આવી કોઈ કાનૂની જોગવાઈ નથી.
– હંમેશા વેરિફાઇડ વેબસાઇટ્સ પરથી જ સત્તાવાર કસ્ટમર કેર નંબર મેળવો.
– અવિશ્વસનીય વેબસાઇટ્સ કે એપ્સ પર ક્યારેય પણ અંગત ફોટોગ્રાફ્સ, આઈડી પ્રૂફ, કે સંવેદનશીલ માહિતી શેર કરશો નહીં.
– પોલીસે લોકોને કોઈપણ શંકાસ્પદ ઓનલાઇન પ્રવૃત્તિ કે કૌભાંડની તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું છે.