Gandhinagar, તા.1
ગુજરાતમાં રાજ્ય સરકારની માલિકીની કંપનીઓએ શેરબજારમાં ડંકો વગાડ્યો છે. આ કંપનીઓ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (28 માર્ચથી 30 જૂન સુધી) BSE સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકોના રિટર્નને વટાવી ગઈ છે.
આ નોંધપાત્ર સિદ્ધિ આ કંપનીઓની મજબૂત નાણાંકીય સ્થિતિ અને વ્યૂહાત્મક સંચાલન દર્શાવે છે, જે એક અગ્રણી આર્થિક કેન્દ્ર તરીકે ગુજરાતનું સ્થાન મજબૂત બનાવે છે.
શેરબજારના તાજેતરના ડેટા અનુસાર, ભારતીય શેરબજાર- BSE અને NSE પર લિસ્ટેડ ગુજરાતની કંપનીઓએ નોંધપાત્ર ઉછાળો નોંધાવીને એકંદર માર્કેટ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
BSE સેન્સેક્સ 8.00% વધીને 83,606.46 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 8.49% વધીને 25,517.05 પર બંધ થયો હતો. તેનાથી વિપરીત, ગુજરાત સરકારની માલિકીની ઘણી કંપનીઓએ ડબલ ડિજિટમાં વૃદ્ધિની ટકાવારી નોંધાવી હતી. આ વૃદ્ધિ બજારમાં તેમનું મજબૂત સ્થાન અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.
આ યાદીમાં સૌથી ટોચ પર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) છે, જેણે 55.23%નો જબરદસ્ત વધારો નોંધાવ્યો, અને તેના શેરનો ભાવ રૂા.265.35 થી વધીને રૂા.411.90 થયો.
ત્યારબાદ બીજા સ્થાને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર કંપની લિમિટેડ (GIPCL) એ 21.31%નો મજબૂત વધારો નોંધાવ્યો, જેનો શેરભાવ રૂા.180.20 થી વધીને રૂા.218.60 થયો છે.
ત્યારબાદ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) એ 15.31% નો વધારો નોંધાવ્યો, જેના શેરનો ભાવ રૂા.177.30 થી વધીને રૂા.204.45 થયો, જ્યારે ગુજરાત ગેસ લિમિટેડની શેરની કિંમતમાં 14.30% નો વધારો જોવા મળ્યો, જે રૂા.412.60 થી વધીને રૂા.471.60 થયો.
ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) એ પણ અનુક્રમે 12.29% અને 11.60% નો વધારો નોંધાવીને સારું પ્રદર્શન કર્યું છે.
આ શાનદાર કામગીરી ગુજરાતના સરકારી માલિકીના સાહસોના વ્યૂહાત્મક વિઝન અને કાર્યકારી કાર્યક્ષમતાને પ્રતિબિંબિત કરે છે, જે સ્પર્ધાત્મક બજારના માહોલમાં પણ સતત વિકાસ કરી રહ્યા છે.
રાજ્ય સરકારે હંમેશાં ટકાઉ વિકાસ, નવીનીકરણ અને રોકાણકારોના વિશ્વાસને મહત્વ આપ્યું છે, જેના કારણે આ કંપનીઓ બેન્ચમાર્ક સૂચકાંકોને પાર કરીને અસાધારણ રિટર્ન ડિલિવર કરવા માટે પ્રેરિત થઈ છે.
આ કંપનીઓ નવીનીકરણ અને વિકાસની દિશામાં સતત આગળ વધી રહી છે, જેના કારણે રોકાણકારો અને હિતધારકો ટકાઉ વૃદ્ધિની અપેક્ષા રાખી શકે છે.