Rajkot, તા. 7
રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે ધોધમાર વરસાદના રાઉન્ડ પૂર્વે જ સંખ્યાબંધ રસ્તાઓ પર ખાડા, પાઇપલાઇન પરના બુરાણ ધોવાઇ જવા, અનેક રસ્તાને નુકસાન સહિતની હાલતથી લોકો હેરાન થઇ ગયા છે. દર વર્ષે જયાં વધુ પાણી ભરાઇ છે એ સમસ્યા યથાવત રહી છે ત્યારે મ્યુનિ. કોર્પો. રાજકોટમાં રહેલા અંદાજીત 1000 જેટલા સીસીટીવી કેમેરા પૈકી ત્રણે ઝોનના કુલ 60 ચોક પરના કેમેરાને ‘રાજકોટ આઇ-વે પ્રોજેકટ રેઇન કેમેરા’ તરીકે અલગ તારવ્યા છે.
આ 60 જેટલા ચોકમાં જેવું પાણી ભરાઇ એટલે તુરંત કંટ્રોલ રૂમ મારફત જે તે ઝોનના ડે.કમિશ્નર, સીટી ઇજનેર સહિતના અધિકારીઓને તુરંત ફોટા સાથે મેેસેજ પહોંચે અને ત્યાં પાણી નિકાલની તુરંત વ્યવસ્થા થાય તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે.
આ વિસ્તારોમાં પાણી ભરાઇ એટલે શહેરના સંખ્યાબંધ વિસ્તારમાં પાણી ભરાઇ જાય એટલો વરસાદ પડયાનો અંદાજ નીકળે છે આથી રાજમાર્ગો પરના આ મુખ્ય પોઇન્ટ સિવાય પણ વોર્ડ કક્ષાએથી તુરંત સહાય પહોંચી જાય તે સિસ્ટમ વધુ ઝડપથી એકટીવ થઇ શકે છે. ભવિષ્યમાં આવા ચોકમાં પાણી ભરાવવાની સમસ્યા હળવી થાય તેવા રસ્તા શોધવા કમિશ્નર તુષાર સુમેરાએ અધિકારીઓને સૂચના આપી છે.
મહાપાલિકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના જે જે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાય છે તે વિસ્તારોને ભુતકાળમાં રેડ, ઓરેન્જ, યેલો ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે.આ જગ્યાઓ પર સૌથી વધુ પાણી ભરાતું હોવાનો રેકોર્ડ છે. હવે રાજકોટમાં આ વર્ષે ચોમાસુ બેસે તે પહેલા માવઠારૂપે પણ તોફાની વરસાદ વરસ્યો હતો અને તેના કારણે પણ અનેક જગ્યાએ રસ્તામાં ખાડા પડયા હતા.
શહેરના લગભગ તમામ 18 વોર્ડમાં પીવાના પાણીની ડીઆઇ પાઇપલાઇન નાંખવા માટે ખોદકામ કરવામાં આવ્યા હતા. મોટા ભાગની જગ્યાએ ફરી ખાડા પડી જવા અને શેરીઓમાં રસ્તા બેસી જવાની ફરિયાદો આવી છે. લોકોના ઘરના ફળીયા સુધી આ હાલાકી પહોંચતા આ રોષ રોડ સુધી પહોંચ્યો છે.
આ સમસ્યાનો ઉકેલ ચાલુ ચોમાસામાં તો આવે તેમ લાગતુ નથી, પરંતુ મનપાએ આઇટી સિસ્ટમ હેઠળના રાજકોટ આઇ-વે પ્રોજેકટ હેઠળના સીસીટીવી કેમેરાનો વધુ સુચારૂ ઉપયોગ શરૂ કર્યો છે. આઇસીસીસી (કંટ્રોલ રૂમ) ખાતેથી વધુ સઘન મોનીટરીંગ ગોઠવવામાં આવ્યું છે.
વિભાગ દ્વારા સેન્ટ્રલ ઝોનના ર4, ઇસ્ટ ઝોનના 19 અને વેસ્ટ ઝોનના 17 ચોકની યાદી બનાવવામાં આવી છે. આ 60 ચોકમાં સૌથી વધુ વરસાદી પાણી ભરાય છે. આથી વરસાદ વચ્ચે અહીં પાણી ભરાતું જાય એટલે તુરંત કેમેરામાંથી ફોટો અને એડ્રેસ સાથે જે તે ઝોનના સીટી ઇજનેર અને ડે.કમિશ્નરોને વોટસએપ ગ્રુપમાં મેસેજ પહોંચી જાય છે. આથી આવા વિસ્તારમાં વહેલાસર પાણીના નિકાલથી માંડી મદદ અને સ્થળાંતર સહિતની કાર્યવાહી ઝડપથી બનશે.
સેન્ટ્રલ ઝોનમાં જયાં સૌથી વધુ પાણી ભરાઇ છે તેવા રેઇન કેમેરા હેઠળના વિસ્તારમાં આઝાદ ચોક, પોપટપરા નાલા, રામનાથ મંદિર, જામટાવર ચોક, બહુમાળી ચોક, રેસકોર્સ મેળાનું મેદાન, લીમડા ચોક, મોટી ટાંકી, પારેવડી ચોક ભાગોનો સમાવેશ થાય છે.
ઇસ્ટ ઝોનમાં આજી ચોકડી, બેડીપરા ફાયર સ્ટેશન, સંતકબીર રોડ, ખોડીયારપરા, પારૂલ ગાર્ડન, પેડક ચોક, પટેલ વાડી ચોક, ભગવતીપરા, કોઠારીયા ચોકડી સામેલ છે. તો વેસ્ટ ઝોનમાં જયાં રેઇન કેમેરાનું સુપર વિઝન ગોઠવાયું છે તેમાં બીગ બજાર ચોક, લક્ષ્મીનગર, મવડી ચોક, નાના મવા ચોક, પુનીતનગર ચોક, રૈયા એકસચેંજ, રૈયા ચોકડી, રામાપીર ચોક, જડ્ડુસ રેસ્ટોરન્ટ ચોક વગેરે સામેલ છે.
કયા કયા ચોકમાં રેઇન કેમેરા?
આઝાદ ચોક, પોપટપરા નાલા, રેલનગર અંડરબ્રીજ, રામનાથપરા મંદિર, જામટાવર ચોક, બહુમાળી ચોક, ત્રિશુળ ચોક, માંડવી ચોક, લોકમેળા મેદાન, મકકમ ચોક, ભીસ્તીવાડ ચોક, લીમડા ચોક, મોટી ટાંકી ચોક, માલવિયા ચોક, હનુમાન મઢી, પોલીસ હેડ કવાર્ટર, સાંગણવા ચોક, પારેવડી ચોક, આજી ડેમ ચોક, બેડીપરા ફાયર સ્ટેશન, ફારૂકી મસ્જીદ, ગીરીરાજ પાર્ટી પ્લોટ, સંતકબીર અંડરબ્રીજ, જંગલેશ્વર, ખોડીયારપરા, પારૂલ ગાર્ડન, સાંદીપની સ્કુલ, ચામડીયા ચોક, સમર્પણ પાર્ટી પ્લોટ, પેડક ચોક, સરદાર હોસ્પિટલ, સોરઠીયાવાડી સર્કલ, આહિર ચોક, પટેલ વાડી ચોક, ભગવતીપરા, કોઠારીયા ચોકડી હુડકો, રાંદરડા તળાવ, બીગ બઝાર ચોક, લક્ષ્મીનગર, મહાપુજાધામ ચોક, મવડી ચોકડી, નાના મવા સર્કલ, ન્યારી ડેમ, પુનિતનગર ચોકડી, રૈયા ટેલીફોન એકસચેન્જ, રામદેવપીર ચોક, રૈયા ચોકડી, વોર્ડ નં.9-એ ઓફિસ પેરેડાઇઝ હોલ, ગોવર્ધન ચોક, જડ્ડુસ ચોક.