New Delhi તા.20
સર્વોચ્ચ અદાલતે તમામ મહિલાઓ, ખાસ કરીને હિન્દુ મહિલાઓને, યોગ્ય સમયે વસિયતનામા બનાવવા આગ્રહ કર્યો છે. જેને કારણે તેમની ઈચ્છા મુજબ સંપતિની વ્હેંચણી થઈ શકે અને ભવિષ્યમાં કાનુની તકરાર-વિખવાદોને અટકાવી શકાય.સુપ્રીમકોર્ટના જસ્ટીસ બી.પી.નાગરથન્ના તથા જસ્ટીસ આર.મહાદેવનની બેંચે હિન્દુ સકશેસન એકટ 1956ની કલમ 15(1)(બી)ને પડકારતી જાહેર હિતની અરજી પર નિર્ણય આપવાનું નકાર્યુ હતું અને તેની કાયદેસરતાના સવાલને ખુલ્લો જ રાખ્યો હતો.
અદાલતે નોંધ્યું હતું કે, હિન્દુ મહિલાઓએ તેની ઉમરને ગણતરીમાં લીધા વિના પ્રોપર્ટીની વ્હેંચણી માટે વિલ તૈયાર કરી લેવું જોઈએ. મહિલાઓના હિત તથા કાનુની તકરાર ઉભી થતી રોકવા માટે આ સલાહભર્યું છે.
કાયદાની કલમ 15(1)(બી)ની જોગવાઈમાં પુત્ર, પુત્રી કે પતિ ન ધરાવતી હિન્દુ મહિલાનુ અવસાન થાય તો તેની પ્રોપર્ટી સબંધીઓને ફાળે જાય છે.પતિના વારસ-વાલીઓ ન હોવાના સંજોગોમાં મહિલાનાં વાલીઓને જાય છે.
અદાલતે એવી પણ સુચના આપી હતી કે હિન્દુ મહિલા `વિલ’ બનાવ્યા વિના જ અવસાન પામે અને વાલી-વારસદારો સંપતિ પર દાવો કરે ત્યારે કોર્ટમાં કેસ દાખલ કરતા પૂર્વે તેઓએ મધ્યસ્થી-સમાધાનનો માર્ગ અપનાવવો જોઈએ. આ સમાધાનને અદાલતની સહમતિ ગણવાની રહેશે.
જાહેર હિતની અરજી કરનારા અરજદારે કાયદાની કલમ 15 (1) (બી) થી આર્ટીકલ 10 અને 21 નો ભંગ થતો હોવાથી તે રદ કરવાની માંગ કરી હતી. એવી દલીલ આગળ ધરવામાં આવી હતી કે કલમ 15 (2) માં મહિલાને વાલી કે પતિ તરફથી વારસામાં મળેલી સંપતિનાં જુદા નિયમ છે. સ્વયં પાર્જીત મુદ્દાને કાયદામાં ધ્યાને લેવાયો નથી.
સરકાર વતી એડીશ્નલ સોલીસીટર જનરલ કે એમ.નટરાજે એવી દલીલ કરી હતી કે આવા પ્રશ્ન અસરગ્રસ્ત પક્ષકારોને ઉઠાવવાનાં રહે છે. જાહેર હીતની અરજીના આધારે નિર્ણય ન થઈ શકે. કલમ 15 વૈજ્ઞાનિક આધાર પર તૈયાર થઈ છે. 1956 માં કાયદો ઘડતી વેળાએ મહિલાની સ્વ-પાર્જીત મિલકત હોઈ શકે તેવુ સંસદમાં ધ્યાને ન આવ્યું હોય.
કલમ 30 હેઠળ હિન્દુ મહિલાને વિલ બનાવીને સંપતિની વહેંચણીની છુટ્ટ આપવામાં આવી જ છે તેમ સ્વ-પાર્જીત સંપતિનો પણ સમાવેશ થાય છે. કલમ 15 માં વિલ બનાવ્યા વિના અવસાન પામતી મહિલા વિશેનાં સામાન્ય નિયમો છે. પરિણામે આર્ટીકલ 14 લાગુ પડતો નથી.
અદાલતે નોંધ્યું કે કલમ 15 (1) (બી) ની કાયદેસરતા વિશે કોઈ નિર્ણય લેવા માંગતી નથી અને યોગ્ય કેસમાં ધ્યાને લેવાશે.જોકે કલમ 15 (1) (સી), (વી), અથવા (ઈ) હેઠળ વારસદારોએ સંપતિ માટે દાવો કર્યો હોય અને કલમ 15 (2) લાગુ પડતી ન હોય ત્યારે પક્ષકારોએ પ્રથમ સમાધાનનો માર્ગ અપનાવવાનો રહેશે.
રાજય જીલ્લા અને તાલુકા સ્તરે મધ્યસ્થી કેન્દ્રનાં ડાયરેકટરો તથા સેક્રેટરી ઓફ લીગલ સર્વીસ ઓથોરીટીને આવી અરજીઓ હાથ પર લેવા અને સમાધાન થવાના સંજોગોમાં અદાલતનો હૂકમ ગણવાનો રહેશે. સમાધાન શકય ન બને તો અદાલતના દ્વાર ખટખટાવવાનો પક્ષકારોને અધિકાર જ રહેશે.

