એલસીબી ઝોન-2 ટીમે નિકિતા સાવલિયા અને વૈશાલી કાચાની ધરપકડ કરી સોનાનો ચેઇન અને એક્ટિવા મળી બે લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
Rajkot,તા.01
ગાંધીગ્રામ વિસ્તારમાંથી બે દિવસ પૂર્વે 80 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી દોઢ લાખની કિંમતનો સોનાનો ચેઇન સેરવી લેવાયો હતો. જે બનાવમાં એલસીબી ઝોન-2 ટીમે બે હિસ્ટ્રીશીટર મહિલાની ધરપકડ કરી સોનાનો ચેન અને એક્ટિવા મોટરસાયકલ મળી બે લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો શિતલ પાર્ક નજીક રહેતા 80 વર્ષીય વૃદ્ધા નિરંજનાબેન છોટાલાલ ખાખરાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ ગઇ તા. ૨૭/૮/૨૬ ના રોજ હુ ગાંધીગ્રામમાં આશરે પોણા બારેક વાગ્યે એસ.કે. ચોક મેઇન રોડ પર દ્રારકેશ ઝોન નામની દુકાને એકલા ખરીદી કરવા ગયા હતા. ખરીદી કરી પરત ઘર પાસે પહોચતા વૃદ્ધાએ ગળામાં પહેરેલ સોનાનો ચેઇન નહિ મળી આવતા દ્વારકેશ ઝોન દુકાને પરિજનો સાથે દોડી જઈ સીસીટીવી તપાસતા મોઢે બુકાની બાંધેલી બે મહિલાએ ગળામાંથી રૂ. 1.50 લાખની કિંમતનો ચેઇન કાઢી લીધાનું ધ્યાને આવ્યું હતું.
મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવાનો ઉચ્ચ અધિકારીઓની સૂચનાને પગલે એલસીબી ઝોન-2 પીએસઆઇ એસ વી ચુડાસમાની ટીમ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતી. દરમિયાન ખાનગી રાહે હકીકત મળી હતી કે, ગાંધીગ્રામ જીવંતીકાનગર મેઈન રોડ ઉપર આરોગ્ય કેન્દ્ર પાસે એક બ્લુ કલરનું એકટીવા મોટરસાયકલ જેના રજી. નંબર જીજે-03-પીએલ-7756 લઈને બે મહિલાઓ ઉભેલ છે અને તેમની પાસે ચોરાઉં દાગીના છે, જે વેચવાની પેરવી કરી રહ્યા છે. જેથી તાત્કાલિક એલસીબી ઝોન 2 ની ટીમ બાતમીવાળા સ્થળે દોડી જઈ બંને મહિલાઓને અટકાવી તેમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેમણે ત્રણ દિવસ પૂર્વે એસ કે ચોકમાં કટલેરીની દુકાનમાં વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી એલસીબીની ટીમે નિકિતા અલ્પેશભાઈ સાવલિયા (ઉવ 42 રહે. સરદારનગર શેરી નં.-4, ઉમિયા સર્કલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ) અને વૈશાલી દેવેનભાઈ કાચા (ઉવ 23 રહે. નાના મવા રોડ, શાસ્ત્રીનગર અજમેરા, રાજકોટ)ની ધરપકડ કરી દોઢ લાખની કિંમતનો સોનાનો ચેન અને એકટીવા મોટરસાયકલ મળી બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

