Gandhinagar,તા.06
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર વધી રહેલી અકસ્માતની ઘટનાઓ વચ્ચે ગઈકાલે સાંજે દહેગામના રખિયાલ મોડાસા રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં મોપેડ સવાર વૃદ્ધનું મોત થયું હતું. જે સંદર્ભે રખિયાલ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે અને તેની સાથે હિટ એન્ડ રનમાં બનાવો પણ સતત વધતા જોવા મળ્યા છે. આ સ્થિતિમાં રખિયાલ મોડાસા રોડ ઉપર સર્જાયેલા વધુ એક અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું હતું. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામ ખાતે મારુતિ ફ્લોરા સોસાયટીમાં રહેતા શિવનારાયણ રામભાઈ શાહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે સાંજના સાતેક વાગે તેઓ દુકાનેથી ઘરે જઈ રહ્યા હતા તે વખતે તેમના મિત્રએ ફોન કરીને જાણ કરી હતી કે, તેમના પિતરાઈ ભાઈ ચોથમલભાઈ મોહનલાલ શાહને રખિયાલ બજાર મહાદેવ હોટલ આગળ રોડ ઉપર અકસ્માત થયો છે. જે સાંભળીને શિવનારાયણ તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી અને ચોથમલભાઇ રોડ પર બેભાન હાલતમાં પડયા હતા. બાદમાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રખિયાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ચોથમલભાઇને મૃત જાહેર કર્યા હતા. જેથી આ ઘટના અંગે રખિયાલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.