Ahmedabad,તા.01
અમદાવાદ SG હાઈવે પર છારોડી નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક બાઇક ચાલક યુવકનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. મહત્ત્વનું છે કે, અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ફરાર વાહનચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, 21 વર્ષીય કથન ખરચર નામનો યુવક ગાંધીનગરથી પોતાની ઓફિસ જવા માટે નીકળ્યો હતો. છારોડી નજીક પહોંચતા, એક અજાણ્યા વાહનચાલકે તેની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિજનો સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકના પરિજનોનું હૈયાફાટ રુદન જોઈ ત્યાં હાજર લોકો ભાવુ થયા હતા. મૃતક યુવક YMCA નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. હાલ ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને શોધી કાઢવા અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

