Rajkot,
રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી આજે રાજકોટની મુલાકાતે છે. જ્યારે આજે સવારે 8:00 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે ગૃહ મંત્રીએ શહેરના અગ્રણી વકીલો સાથે બેઠક કરી હતી. બેઠકમાં બાર એસોસિએશનના હોદ્દેદારો, લીગલ સેલના વકીલો અને વિવિધ બારના એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા વકીલો સાથે જે વર્તન રહેતું હોય છે, તે અંગે રજુઆત થઈ હતી.
ગૃહમંત્રીએ પોલીસ અધિકારીઓને આ અંગે સ્પષ્ટ સૂચના આપી હતી. વકીલોનું માન સન્માન જળવાઈ રહે તે રીતે વર્તન કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત અગ્રણી વકીલો દ્વારા રજુઆત કરાઈ હતી કે, કોઈ વકીલ સામે કોઈ ગુનામાં આક્ષેપ થાય ત્યારે પહેલા તપાસ કરવી, પછી ગુનો દાખલ કરવો. તેની રજુઆત સાંભળવી.
રાજકોટ જિલ્લા ન્યાયાલય ખાતે જતી વખતે ટ્રાફિકને લઈને સમસ્યા રહેતી હોય, જે અંગે પણ રજુઆત થઈ હતી. ઉપરાંત સરકારી વકીલ એજીપીના ઇન્ટરવ્યૂ લેવાઈ ગયા હોય પણ નિમણુંક ન થઈ હોય, બે વર્ષથી નિમણુંક અટકી પડી હોય તે અંગે પણ યોગ્ય કરવા રજુઆત થઈ હતી.
આ તરફ હાલના સરકારી વકીલ એસ. કે. વોરા દ્વારા ગૃહમંત્રીને માહિતગાર કરાયા હતા કે, રાજકોટ જિલ્લા ન્યાયાલય સેશન્સ કોર્ટમાં સજાનું પ્રમાણ 36 ટકા છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. હજુ તેને વધારવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં સીપી, ડીસીપી સહિતના અધિકારીઓ, ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

