Ahmedabad, તા.16
હોન્ડા એક્ટિવા સ્કૂટરની ડુપ્લીકેટ એસેસરીઝ બનાવતું કારખાનું અમદાવાદમાંથી ઝડપાયું હતું. જેથી કોપીરાઇટ એક્ટ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાતા ગુનો દાખલ થયો હતો.
ફરિયાદમાં નીતીનકુમાર ભીખાભાઈ પટેલએ જણાવ્યું કે, હું સ્પીડ સર્ચ એન્ડ સિક્યુરીટી નેટવર્ક પ્રાઇવેટ લીમીટેડ કંપની તરફથી કંપનીના કોપીરાઇટ/ટ્રેડમાર્કના હક્કોના ભંગ કરતા શખ્સો વિરુધ્ધ પોલીસ ફરીયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ કરું છું. કંપની તરફથી અમને આવી કામગીરી કરવાની ઓથોરીટી આપેલ હોય છે.
અમારી ફરજ કંપની વતી કંપનીની અસલ પ્રોડકટનું ડુપ્લીકેટ વેચાણ ન થાય તે જોવાનું હોય છે. તા. 13/12/2024 ના રોજ ખાનગી માણસ મારફતે હકિકત મળેલ કે, અમદાવાદ ખાતે જીનીંગ મીલ કમ્પાઉન્ડના દુકાન નં.67માં સરલ એન્ટરપ્રાઇઝ નામે કારખાનું છે. જેમાં હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીના એકટીવા સ્કૂટર પર લગાવવાની એસેસરીઝનો ડુપ્લીકેટ માલ રાખી વેચાણ કરે છે.
હાલ ત્યાં ડુપ્લીકેટ એસેસરીઝનો કેટલોક જથ્થો પડેલ છે. જેથી માધવપુરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સુરેશભાઇ મંગળભાઇ તથા પ્રકાશભાઈ છપ્પનભાઈ, કોન્સ્ટેબલ જગદીશભાઈ દેવશીભાઈને સાથે રાખી સ્થળ તપાસ કરતા સરલ એન્ટર પ્રાઇઝ કારખાનામાંથી એકટીવા સ્કૂટર પર લગાવવાની એસેસરીઝની જુદી જુદી ચીજ વસ્તુ મળી આવેલ હતી.
જેમાં ફૂટરેસ નંગ-42, મજગાર્ડ ઉપર લગાવવાના બમ્પર નંગ-11, કેસગાર્ડ નંગ-43, એસ.એસ.ની પ્લેટ નંગ-115, શીટ કવર નંગ-25, મેટીંગ કવર નંગ-28 વગેરે મળી કુલ રૂ.54,940ની કિંમતની ડુપ્લીકેટ બનાવટની એસેસરીઝ મળી આવેલ.
જે અંગે માધવપુરા પોલીસ મથકે કારખાનેદાર કાર્તિક રાકેશ શાહ (ઉ.વ.38, રહે.પાલડી અમદાવાદ) સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.