યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના ટ્રેડ ડીલના નિર્ણય પછી રૂપિયાની રિકવરીને વેગ મળશે તેવી બજાર અપેક્ષાઓ મજબૂત બની છે. ગયા શુક્રવારે ટ્રેડ ડીલમાં વિલંબ અને યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં કટતીની આશા નબળી પડતાં, ડોલર સામે રૂપિયો ૦.૯% સુધી ઘટ્યો હતો, જે આ વર્ષનો બીજા ક્રમાંકનો મોટો ઘટાડો છે. આરબીઆઈએ ચલણ બજારમાં સક્રિય હસ્તક્ષેપથી દૂર રહેવાનો નિર્ણય લેવાતા રૂપિયામાં નબળાઈ વધુ તીવ્ર બની હતી અને તે ૯૦ના આંકડે નજીક સરક્યો હતો. બજાર સર્વે મુજબ, નજીકના સમયમાં રૂપિયો ૯૦ સુધી તૂટી શકે છે, પરંતુ ટ્રેડ ડીલનો નિર્ણય તેની પુનઃપ્રાપ્તિ (રિકવરી)ને વેગ આપશે. ઘણા સહભાગીઓ માને છે કે ડિસેમ્બર અંતે રૂપિયો સુધરીને ૮૮ થી ૮૮.૫૦ પ્રતિ ડોલર સુધી પહોંચી શકે છે. હાલમાં રૂપિયો ૮૯.૪૯ પર બંધ રહ્યો હતો.
કેટલાક વિશ્લેષકો હજુ પણ માને છે કે દબાણ ચાલુ રહેશે અને વર્ષના અંતે રૂપિયો ૯૧ સુધી જઈ શકે છે. યેનના અવમૂલ્યન, ફેડ રેટ કટમાં વિલંબ અને વેપાર ખાધ વધવાનું જોખમ રૂપિયામાં વોલેટિલિટી વધારી શકે છે. જોકે, અર્થશાસ્ત્રીઓએ આશા વ્યક્ત કરી છે કે યુએસ-ભારત ટ્રેડ ડીલ ટૂંક સમયમાં પૂર્ણ થવાથી પ્રતિશોધાત્મક ટેરિફમાં ૫૦% ઘટાડો થશે, જેના કારણે રૂપિયાને રાહત મળશે. આર્થિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં વેપાર ખાધ સામાન્ય રીતે ઘટતી હોવાથી રૂપિયા માટે તે સમયગાળો વધુ અનુકૂળ રહેશે.
ચોથા ક્વાર્ટરમાં રૂપિયો ૮૭.૫૦ થી ૮૮ વચ્ચે રહી શકે છે. વર્ષ ૨૦૨૫માં રૂપિયો એશિયાના ચલણોમાં સૌથી નબળું પ્રદર્શન કરી રહ્યો છે, કારણ કે તે ૪.૩૩૩% ઘટ્યો છે, જ્યારે તાઈવાન ડોલર, થાઈ બાથ અને મલેશિયન રિંગિટ ડોલર સામે મજબૂત થયા છે. ફોરેક્સ રિઝર્વ ૧૪ નવેમ્બરના સપ્તાહમાં વધીને ૬૯૨.૫ અબજ ડોલર થયું છે, જે દેશની ૧૧ મહિનાની આયાત અને ૯૩% બાહ્ય દેવાંને આવરી લેવા માટે પૂરતું છે. જોકે, જૂનથી ફોરેક્સ એસેટ્સમાં ૩૩ અબજ ડોલર અને કુલ રિઝર્વમાં ૧૦ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. આરબીઆઈ દરેક તક પર રિઝર્વ વધારવાનો પ્રયાસ કરી રહી છે, તેથી રૂપિયામાં અચાનક જોરદાર ઉછાળો આવવાની સંભાવના નબળી છે.

