Jaipur,તા.13
રાજસ્થાનના દૌસા નજીક ટ્રક અને પિકઅપ વાન વચ્ચે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં સાત બાળકો સહિત 11 લોકોના મોત થતા આ ભોગ બનનારા ભાવિકો ઉતરપ્રદેશના ઇંટાવા જીલ્લાના હતાં. રાજસ્થાનમાં ખાટુશ્યામ મંદીરે દર્શન કરી રહેલા શ્રઘ્ધાળુઓથી ભરેલી પીકઅપ વાનનો વહેલી સવારે સાડાત્રણ વાગે ટ્રક સાથે અકસ્માત નડયો હતો. ઉંઘમાં જ રહેલા સાત બાળકો ત્રણ મહિલા સહીત 11 લોકો ભોગ બન્યા હતાં.
આ વિશે પોલીસે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, ખાટુશ્યામ મંદિરથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અકસ્માતનો શિકાર બન્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત નિપજ્યા છે અને 10 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આશરે 7-8 લોકોને જયપુરની એસએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને તેમની ઓળખ કરી પરિજનોને જાણ કરવાની કામગીરી હાથ ધરી છે.
આ સિવાય ઘટનાસ્થળે આસપાસના લોકોની પૂછપરછ કરી અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે પીએમ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.
દૌસાના જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમારે કહ્યું કે, ’પ્રાથમિક માહિતી મુજબ, બાપી પાસે એક અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા છે. 9 જેટલા લોકોને સારવાર માટે રાજસ્થાન ખસેડવામાં આવ્યા છે અને 3 દર્દી જિલ્લાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ અકસ્માત એક કાર અને એક ટ્રેલર ટ્રક વચ્ચે થયો હતો.’