Junagadh, તા. 9
સાસણ સિંહ દર્શનની ઓનલાઇન પરમીટમાં નાતાલની 25 થી 30 ડિસેમ્બરની પાંચ દિવસની પરમીટો બુક થઇ ગઇ છે તે પણ ગણતરીની મીનીટોમાં જ જેમાં મસમોટા કૌભાંડની આશંકા વ્યકત કરવામાં આવી છે. આ મામલે સાસણ હોટલ એસો.ના પ્રમુખ વિનુભાઇ જીવાણી, ઉપપ્રમુખ રામકુભાઇ વિકમા, મંત્રી દેવશીભાઇ ચાંડેરા, ખજાનચી લાલાભાઇ શીંગાળા સહિતનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર સાયબર ક્રાઇમ ઓફીસે પહોંચ્યું હતું.
જયાં ફરજ પરના અધિકારીએ તેમની અરજી સ્વીકારી આ ફ્રોડ વનવિભાગની સતાવાર વેબસાઇટ ઉપર થયું હોય વનવિભાગ આમા ફરિયાદી બને તે ટેકનીકલી યોગ્ય કહેવાય તેવો અભિપ્રાય મળતા હોટલ એસો.ના હોદેદારો ગાંધીનગર વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા અને વન વિભાગ સતાવાર ફરિયાદ કરે તેવી રજુઆતો કરી હતી. આ રજુઆત વન વિભાગના એ.પી.સિંગ, ડો.રામરતન સહિતનાઓએ વનવિભાગ ગાંધીનગરથી ફરિયાદ નોંધશે તેવું આશ્ર્વાસન આપ્યું હતું.
આ ઉપરાંત સાસણ સિંહ સદન પરિસરમાં હોટલ એસોસીએશનને સ્થાન આપવા રજુઆત કરી હતી. પોતાના વિભાગ અને પોતાની સતાવાર વેબસાઇટ ઉપર થતા બુકીંગ અને કંટ્રોલના ફ્રોડ ેતમજ કાળાબજારની વનવિભાગને જાણ જ ન હોય તે શકય નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગીર સિંહ દર્શન માટેની ઓનાઇન પરમીટ બુકીંગ સિસ્ટમ છેલ્લા 7 દિવસથી બંધ છે વન વિભાગે સતાવાર વેબસાઇટને મેન્ટેનન્સ હેઠળ રાખી છે. સુત્રોમાંથી જાણવા મુજબ પરમીટ બુકીંગ પરમીટમાં ડમી બુકીંગ ઉંચા ભાવે વેંચાણના કૌભાંડની શંકાના કારણે આ નિર્ણય લેવાયો છે. મળતી માહિતી મુજબ સાસણ અને દિલ્હીના પાંચથી સાત દલાલો આ સિસ્ટમનો દુરઉપયોગ કરી રહ્યા હતા.
તેઓ અલગ અલગ નામે ત્રણ-ત્રણ સ્લોટમાં બુકીંગ કરતા હતા. બાદ પ્રવાસીઓને ઉંચા ભાવે પરમીટ વહેંચતા હત. આ પ્રવૃતિના કારણે વાસ્તવિક પ્રવાસીઓને પરમીટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. સામાન્ય રીતે સિંહ દર્શન માટેનું બુકીંગ 90 દિવસ અગાઉ શરૂ થાય છે.
પરંતુ હાલ 31 ડિસેમ્બર સુધીનું તમામ બુકીંગ અટકાવી દેવાયું છે. 25 થી 30 ડિસેમ્બર દરમ્યાનની 300 પરમીટો ગણતરીની મીનીટોમાં બુક થઇ જતા ભારે રોષ સાથે ઉહાપોહ થયો હતો. ટેકનીકલ ખામી નહીં પરંતુ મસમોટુ કૌભાંડ હોવાની શકયતા જણાવાઇ રહી છે. રૂા.પ00ના પ્રવાસી પાસેથી રૂા.25000 લઇ લેવાની વાત બહાર આવી રહી છે.