New Delhi,તા.07
કેરળની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે રાષ્ટ્રપતિએ યમનના નાગરિકની હત્યાના કેસમાં નિમિષાને ફાંસી આપવાની મંજૂરી પણ આપી દીધી છે. આના પર યમન દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ રશાદ મોહમ્મદ અલ અલીમીએ સજાની પુષ્ટિ કરી નથી. આનું કારણ એ છે કે નિમિષા રાજધાની સનાની જેલમાં બંધ છે, જે હુતી વિદ્રોહીઓના કબજા હેઠળનો વિસ્તાર છે. આવી સ્થિતિમાં તે યમનના રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રમાં આવતું નથી. નિમિષાની સજા અંગે માત્ર હુતી વહીવટીતંત્ર જ નિર્ણય લેશે.
હુતી વિદ્રોહીઓની કોર્ટમાં ચલાવવામાં આવ્યો છે કેસ
સોમવારે યમનના દૂતાવાસે કહ્યું હતું કે, ‘નિમિષાનો સમગ્ર કેસ હુતી વિદ્રોહીઓની કોર્ટમાં ચલાવવામાં આવ્યો છે. તેમજ તેની ફાંસીની સજાને હુતી સુપ્રીમ પોલિટિકલ કાઉન્સિલના નેતા મેહદી અલમાશતે મંજૂરી આપી દીધી છે. આમાં યમનના રાષ્ટ્રપતિની કોઈ દખલગીરી નથી. ભારતીય નર્સ નિમિષાની સજા અંગે હુતી સરકારે આગળનો નિર્ણય લેવાનો છે.
ઈરાન છે છેલ્લી આશા
હુતીઓ પાસેથી નિમિષાની ફાંસી માફી મેળવવામાં ભારતની છેલ્લી આશા ઈરાન પાસેથી મદદ છે. લાલ સમુદ્રમાં ઈઝરાયેલ અને અમેરિકા સામે લડી રહેલા હુતીઓને ઈરાનનું સમર્થન મળ્યું છે. આવી સ્થિતિમાં ઈરાનનો હસ્તક્ષેપ આ મામલામાં મહત્વપૂર્ણ બની શકે છે. ઈરાન તરફથી નિમિષાને મદદ કરવાની વાત થઈ છે. ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, ‘નિમિષા માટે અમારાથી જે કંઈ થઈ શકે તે અમે કરીશું.’
કોણ છે નિમિષા?
નિમિષા પ્રિયા કેરળના પલક્કડ જિલ્લાની રહેવાસી છે. તે એક દાયકા કરતાં વધુ સમયથી યમનમાં છે. નિમિષા પર 2017માં તલાલ મહેદી નામના યમનના નાગરિકની હત્યા કરવાનો આરોપ હતો અને વર્ષ 2018માં તેને દોષિત ઠેરવવામાં આવી હતી અને તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ત્યારથી નિમિષાને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.