Jamnagar,તા.19
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના એરીયામાં રાખવામાં આવેલા કચરાના વિશાળ ઢગલામાં ગઈકાલે સાંજે 7.15 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી. જયાં કચરો ચારેય તરફ ફેલાયેલો હોવાથી આગ ઝડપ ભેર પ્રસરી ગઈ હતી, અને દૂરથી મોટી મોટી આગની જ્વાળાઓ દેખાતી હતી, જેને લઈને દોડધામ થઈ હતી.
જે આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર વિભાગની જુદી જુદી બે ટુકડીઓ અલગ અલગ ફાયર ફાઇટર સાથે પહોંચી ગઈ હતી, અને ત્યાં અલગ અલગ ચાર જેટલા પાણીના ટેન્કરનો ઉપયોગ કરીને પાણીનો મારો ચલાવી એકાદ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઈ લીધી હતી. તેથી આગ વધુ પ્રસરતી અટકી હતી.
જોકે આ બનાવના સ્થળ થી નજીક ગેસનો ડેપો આવેલા છે પરંતુ સમયસર આગ બુઝાવી દેવાઇ હોવાથી હાશકારો અનુભવાયો હતો.