Jamnagar તા ૨૦
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં એક વાડીમાં કેટલાક બુટલેગરો દ્વારા ટ્રકમાંથી મોટા પાયે ઇંગ્લિશ દારૂના માતબર જથ્થા નું કટીંગ કરવામાં આવી રહયું છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે રાત્રે બે વાગ્યાના અરસામાં પંચકોસી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન ભારે નાશભાગ થઈ હતી. અને બુટલેગરો ૩૩૧ પેટી ઈંગ્લીશ દારૂ નો જંગી જથ્થો, ટ્રક, બોલેરો અને સ્કૂટર વગેરે છોડીને ભાગી છુટ્યા હતા. પોલીસે રૂપિયા ૩૮.૪૩ લાખની માલમતા કબજે કરી લઈ પાડી માલિક ઉપરાંત વાહન ના નંબરોના આધારે બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.
જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ
ને ગઈકાલે રાત્રે ચોક્કસ બાતમી મળી હતી, કે મોટા થાવરીયા ગામ પાસે એક ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો ઘુસાડવામાં
આવ્યો છે, અને બોલેરો માં કટીંગ કરવામાં આવી રહ્યું છે.
કેટલાક બુટલેગરો રાત્રિના અંધારામાં આ કાર્યવાહી કરી રહ્યા છે, જે બાતમી ના આધારે મોડી રાત્રે પોલીસે દરોડો પાડ્યો હતો. જે સમયે ભારે નાશ ભાગ થઈ હતી.
બુટલેગરો ત્રણેય વાહનો અને દારૂનો જથ્થો છોડીને ભાગી છૂટ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ૧૭,૨૫,૬૦૦ ની કિંમત નો ૧૧,૭૮૪ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો (૩૩૧ પેટી). કબજે કરી લીધો હતો, ઉપરાંત એક ટ્રક, બોલેરો પીકપ વેન અને એક્સેસ સ્કુટર સહીત કુલ ૩૮,૪૩,૬૦૦ ની માલમતા કબજે કરી લીધી છે. જ્યારે ત્રણેય વાહનોના રજીસ્ટ્રેશન નંબરના આધારે બુટલેગરોને શોધવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.
ઉપરોક્ત જંગી દારૂ નાના થાવરીયા ગામના ખેડૂત ભરતસિંહ લાખાજી જાડેજા ની વાડીમાં કટીંગ થઈ રહ્યો હોવાથી સૌ પ્રથમ વાડી માલિક ભરતસિંહ જાડેજા ને ફરારી જાહેર કરાયો છે.
ત્યારબાદ બનાવના સ્થળેથી જીજે ૧૦ ઝેડ ૬૫૦૯ નંબરનો ટ્રક મળી આવ્યા છે જે ટ્રકના ચાલકને ફરારી જાહેર કરાયો છે. ઉપરાંત જીજે -૩ બી વાય ૭૪૧૦ નંબરનું બોલેરો પીકપ વાહન પણ મળી આવ્યું છે. જે વાહન ચાલકને પણ ફરારી જાહેર કરાયો છે, અને તમામની શોધખોળ હાથ ધરાઈ રહી છે.