શહેરના વિવિધ વિસ્તારમાં અશાંત ધારો લગાવવા વિવિધ હિંદુ સમાજના આગેવાનો અને રહેવાસીઓની બેઠક મળી
Junagadh તા. ૭
જુનાગઢના અમુક વિસ્તારોમાં “અશાંત ધારા”ની આવશ્યકતા હોય તેવી રજૂઆતો સાથે, તાત્કાલિક ધોરણે અશાંત ધારો લગાવવા માંગ પ્રબળ બની છે, આ માટે જોષીપરાના સૂર્યમંદિર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. હતું. આ બેઠકમાં વિવિધ હિન્દુ સંગઠનના અગ્રણીઓ તથા હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને શહેરના જોષીપરા, ખામધ્રોળ સહિતના અનેક વિસ્તારોના રહેવાસીઓ દ્વારા સરકાર તથા જિલ્લા તંત્રને અનેક લેખિત રજૂઆતો, આવેદનપત્રો આપવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી તેવી ચર્ચા સાથે આગામી તા. ૨૦ ઓગસ્ટના રોજ જૂનાગઢનો સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થશે, અને એક રેલી કલેકટર કચેરી જઈ, આવેદન પત્ર પાઠવી અશાંત ધારાની માંગ કરશે, તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
જોષીપરા વિસ્તારના સૂર્યમંદિર ખાતે ગઈકાલે એક અગત્યની બેઠક મળી હતી, આ બેઠકનો હેતુ, જુનાગઢ શહેરના અમુક વિસ્તારોમાં વસતીના માળખામાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને “અશાંત ધારો’ લાગુ કરાવવાનો હતો. તથા આ મુદ્દે હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવા અને સરકાર સમક્ષ એક સંપ કરીને રજૂઆત કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. હતું. આ બેઠકમાં જુનાગઢના હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો અને વિવિધ હિન્દુ સંસ્થાઓના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ બેઠકમાં જુનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, મારા દ્વારા ઘણા સમયથી આ મુદ્દે સરકાર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆતો કરી છે. તે સાથે આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, શહેરના જોષીપરા અને ખામધ્રોળ રોડ સહિતના અનેક વિસ્તારોમાંથી અશાંત ધારા માટે આવેદનપત્રો આપવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
દરમિયાન આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ હિન્દુ સંસ્થાઓના તથા વિવિધ વિસ્તારના આગેવાનો અને સભ્યોએ સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે, જૂનાગઢના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગને વધુ અસરકારક બનાવવા માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન આગામી તારીખ ૨૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ થશે, જેમાં જૂનાગઢના સમગ્ર હિન્દુ સમાજના લોકો એકત્ર થશે. તથા તા. ૨૦ ઓગષ્ટના બપોરે ૪ વાગ્યે સરદાર બાગ, ઝાંસીની રાણી સર્કલ પાસેથી એક વિશાળ રેલી શરૂ થશે અને કલેક્ટર કચેરી સુધી આ રેલી જશે.
આ બેઠકમાં અગ્રણીઓએ લોકોને આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કરવાની સાથે જણાવ્યું હતું કે, આજની બેઠક અને આગામી તા. ૨૦ ના રોજ યોજાનારી રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય આપણે હિન્દુ સમાજ એક થઈને જૂનાગઢમાં અશાંત ધારાના આવેદનપત્ર આપવામાં જોડાઈએ અને જૂનાગઢના હિન્દુ સમાજની એકતા અને તેમની માંગણી પ્રત્યેની ગંભીરતાનો સંદેશો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી, આપણી માંગણીને વધુ મજબૂત બનાવીએ.
આ બેઠકમાં સુર્ય મંદિરના મહંત, મેયર ધર્મેશ પોશીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન હરેશ પરસાણા, વિપક્ષ નેતા લલીત પરસાણા, નિર્ભય પુરોહીત, યોગીભાઇ પઢીયાર, અશોકભાઇ ભટ્ટ સહિતના હિન્દુ હિતરક્ષક સમિતિના આગેવાનો અને ખામધ્રોળ વિસ્તારના સ્થાનિક રહીશોએ ઉપસ્થિત રહી, અશાંત ધારો લાગુ કરવાની બુલંદ માંગ કરી હતી.