Veraval,તા.21
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, ધામળેજ, માઢવાડ, સૈયદ રાજપરા સહિતના બંદરો પરથી અને રાજ્યભરના દરિયાઇ વિસ્તારોમાંથી માછીમારી માટે માછીમારો દરિયામાં જતા હોય છે.
અત્યારે પડી રહેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનને પગલે અરબી સમુદ્રમાં માછીમારી કરવા માટે ગયેલ માછીમારો જુઓ મહારાષ્ટ્ર નજીકના વિસ્તારમાં હોય તો તેઓ તેમની બોટ મહારાષ્ટ્રના બંદરો પર કામચલાઉ ધોરણે લાંગરી શકશે.
મહારાષ્ટ્ર સરકારે આ માટે મદદની આપેલી ખાતરી ને પગલે તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિશેષ પ્રયાસોને લીધે માછીમારો પોતાની બોટ મહારાષ્ટ્રના બંદરો પર લઈ જઈને લાંગરી શકશે.
ગુજરાત રાજયના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગ ને કરવામાં આવેલી જાણે પગલે પ્રતિકૂળ હવામાનની સ્થિતિ બાબતે ધ્યાને લઈ ગુજરાત રાજ્ય ના માછીમારો અને મહારાષ્ટ્રના પાલઘર, થાણે, મુંબઈ ઉપનગર, મુંબઈ શહેર,રાયગઢ અને રત્નાગિરી સિંધુદુર્ગ સહિતના વિસ્તારોમાં આશ્રય મળી રહે તે માટે મહારાષ્ટ્ર રાજ્યના મત્સ્યઉદ્યોગ (દરિયાઈ)ના સંયુક્ત કમિશનરશ્રી દ્વારા મત્સ્ય ઉદ્યોગ વિભાગના સહાયક આયુક્ત ની સૂચના આપવામાં આવી છે.
ગુજરાત રાજ્યની બોટ, જહાજ અને માછીમારોને મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ બંદરો પર સલામત આશ્રય, જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને સહાય મળી રહે તે માટે આનુષાંગિક વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત- મહારાષ્ટ્ર રાજ્યના મત્સ્ય ઉદ્યોગ વિભાગના આંતરિક સંકલન થકી માછીમારોને દરિયાઈ સીમા અને પ્રતિકૂળ હવામાનની સ્થિતિમાં પણ સલામત રીતે કિનારા સુધી લઈ જવા માટેની અને ત્યાં પાર્ક કરવા માટેની સુવિધા ઉપલબ્ધ બની છે.
ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી સમયમાં પણ હવામાન તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને અનુલક્ષીને કોઈપણ પરિસ્થિતિ ઉદભવે તો તેને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે જિલ્લામાં ઉપસ્થિત થયેલી સ્થિતિનો ચિતાર આપતાં કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે જિલ્લામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
જ્યારે આજ સવાર થી બપોર સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કુલ મળીને અત્યાર સુધીમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો સરેરાશ 28 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હવામાન તંત્રની આગાહીને અનુલક્ષી આગામી કલાકોમાં હજુ ભારે વરસાદ પડે તો જરૂરી પગલા અને સાવચેતી રાખવા સંદર્ભે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લામાં ક્યાંય પણ વૃક્ષો ધરાશાયી થયા હોય તો તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવી અને રસ્તો ખૂલ્લો કરાવવામાં આવી રહ્યો છે.
અમૂક ગામોને બાદ કરતાં હાલ વીજળીનો પુરવઠો પણ અવિરત ચાલુ છે. જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે, ત્યાં તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરી અને ત્વરિત પૂરવઠો ચાલું કરવામાં આવી રહ્યો છે.
કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ માછીમારી માટે હવામાન સાનુકૂળ નથી. ભારે પવન ફૂંકાવાની શક્યતાં જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તેમજ દરિયામાં રહેલી તમામ બોટ્સને પણ તાત્કાલિક અસરથી પરત ફરવા જણાવવામાં આવ્યું છે.
જિલ્લામાં આવેલા ડેમની પરિસ્થિતિ અંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને પગલે હિરણ, ઉમરેઠી વગેરે જેવાં ડેમોમાં પાણીની આવક વધતાં દરવાજા ખોલવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
શિંગોડા અને હિરણ-2 ડેમ 100% ભરાયા છે, જ્યારે અન્ય ડેમ 80% ભરાયાં છે. જેના કારણે વેરાવળ, તાલાલા અને કોડિનાર તાલુકાનાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
ગત બે દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી-નાળા કોઝવે પરથી અચાનક જ પાણીનો પ્રવાહ વધી શકે છે. જેને ધ્યાને લઇ અને સલામતીના પગલાને અનુસરતાં નીચાણવાળા વિસ્તારમાં અને કૂતુહલવશ નદી-નાળા પાસે ન જવા અને નાગરિકને મુશ્કેલી કે સમસ્યા હોય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર 1077 પર ત્વરિત જાણકારી આપવા કલેક્ટરશ્રીએ નાગરિકોને અનુરોધ કર્યો છે.

