Lucknow,તા.28
ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સૌને ચોંકાવી દીધા છે. અહીં એક પરિણીત મહિલાએ બે બાળકો અને તેના પતિને છોડીને પોતાના પ્રેમીનો હાથ પકડયો છે. પત્નીએ પ્રેમી સાથે રહેવાની જીદ કરતાં પતિએ કહ્યું હતું કે ’સારું, તું ખુશ રહેજે. હું તારાં લગ્ન તારા પ્રેમી સાથે કરાવી આપું છું અને બાળકોની પરવરિશ હું ખુદ કરીશ.
ત્યાર બાદ આ મહિલાના પતિએ જ તેની પત્નીના પ્રેમી બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યાં હતાં અને તેને તેના પ્રેમીને સોંપી હતી. બબલુના લગ્ન 2017માં રાધિકા સાથે થયાં હતાં. તેમનું લગ્નજીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું અને તેમને બે બાળકો પણ છે.
જેમાં 7 વર્ષનો પુત્ર અને બે વર્ષની પુત્રી છે. બબલુ નોકરી માટે બહાર ગયો ત્યારે રાધિકાને ગામના જ એક યુવક વિકાસ સાથે પ્રેમ થઈ ગયો. આ વાતની જાણ બબલુને થતાં તેણે રાધિકાને સમજાવી હતી, પરંતુ રાધિકાએ સ્પષ્ટ કહી દીધું કે તે હવે વિકાસ સાથે જ રહેવા માગે છે. પત્નીની ઈચ્છા જોઈને બબલુએ ગામના વડીલોની સલાહ લીધી અને નક્કી કર્યું કે બન્નેનાં લગ્ન થઈ જવાં જોઈએ જેથી કોઈ અપ્રિય ઘટના ન બને.
બબલુ રાધિકા અને વિકાસને લઈ જઈને સોગંદનામું કરાવ્યું અને પછી પત્નીને તેના પ્રેમીને સોંપી દીધી. ત્યાર બાદ બન્નેના લગ્ન શિવ મંદિરમાં થયા હતા. આ લગ્નમાં ગામના લોકોએ પણ ભાગ લીધો હતો.