વડગામ પોલીસમાં બીજી જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કરનારા ૨૪ વર્ષીય યુવકે ૧૨ આરોપી સામે પોતાની પત્નીના અપહરણની ફરિયાદ નોંધાવી
Ahmedabad તા.૩૧
બનાસકાંઠાના વડગામ પોલીસ સ્ટેશનમાં બીજી જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કરનારા ૨૪ વર્ષીય યુવકે ૧૨ આરોપી સામે પોતાની પત્નીના અપહરણની ફરિયાદ નોંધાવી છે. જે મામલે હવે યુવકે હાઈકોર્ટમાં અરજી કરી આક્ષેપ કર્યો છે કે, યુવતીને તેના પરિજનોએ તેની મરજી વિરુદ્ધ ગોંધી રાખી છે. આ હેબિયસ કોર્પસ અરજીમાં હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ કાઢીને યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ કરીને વધુ સુનાવણી ૪ નવેમ્બરે રાખી છે.આ કેસની હકીકત મુજબ યુવક બનાસકાંઠામાં ઝેરોક્ષ – સાયબર કાફેની દુકાન ચલાવે છે. તેણે અમદાવાદના દરિયાપુરમાં આવીને મેરેજ રજિસ્ટ્રેશન કચેરીમાં મેરેજ રજિસ્ટર કરાવ્યા હતા. જોકે, યુવતીના પરિવારજનોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે યુવતી ગુમ થયાની અરજી આપી હતી. જેથી બંને પતિ-પત્ની પાલનપુર તાલુકા પોલીસ મથકે હાજર થયા હતા. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવતી અને યુવક બંનેના પરિવારજનો હાજર હતા. યુવતીએ પોતાના પતિ સાથે રહેવાની ઈચ્છા દર્શાવતા પોલીસે તેનું નિવેદન નોંધીને, બંનેને સહી સલામત વડગામ મૂકી આવી હતી, પરંતુ યુવતીના પરિવારજનો યુવતીના પ્રેમલગ્નથી નારાજ હતા. આથી તેઓ બે સ્કોર્પિયો અને એક સ્વીફ્ટ ગાડી લઈને યુવક અને યુવતી જ્યાં રોકાયા હતા તે યુવકના મામાના ઘરે આવ્યા હતા. યુવતીના કાકાએ યુવતીને ઘરમાંથી લાફો મારીને બહાર ખેંચી કાઢી હતી. આ દરમિયાન યુવકના પરિજનો વચ્ચે પડતા તેઓએ ધક્કામુક્કી કરી હતી. જેમાં યુવકના પરિજનોને ઈજા પણ થઈ હતી. જ્યારે યુવતીના પરિજનો તેને સ્કોર્પિયો કારમાં બેસાડીને લઈ ગયા હતા.




