ભરણપોષણની ૧૧૮ માસની ચડત ૨કમ ૮.૫૦ લાખ નહી ભરવા બદલ માસ દીઠ દિન-૩૦ લેખે સજા ફરમાવી
Rajkot,તા.18
ઘરેલુ હિંસાના કેસમાં અદાલતે દર મહિને રૂ. ૭૦૦૦ ભરણપોષણ ચૂકવવાના કરેલા હુકમ મુજબ 118 મહિના સુધી પત્નીને ભરણપોષણ નહીં ચુકવનારા પતિને અદાલતે 3,540 દિવસની જેલસજાનો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, અરજદાર પરિણીતા ત્રિવેણીબેન રજનીશભાઈ પરમારે તેના પતિ રજનીશ મગનલાલ ૫૨મા૨ (રહે. રાજકોટ) વિરૂધ્ધ ધી ડોમેસ્ટિક વાયોલેન્સ એકટની કલમ-૧૨ મુજબ અરજી કરી હતી. જેમાં કોર્ટ દ્વારા દર મહિને રૂ. ૭૦૦૦ ભરણપોષણ પરિણીતાને ચુકવવાનો આખરી હુકમ થઈ ગયા બાદ સામાવાળા પતિ કોર્ટના હુકમ મુજબની ચડત ભરણ પોષણની ૨કમ ભરતા ન હતા, જેથી અરજદારે સામાવાળા વિરૂધ્ધ અરજી કરી હતી. જે અરજી ચાલતાં લીગલ એઇડમાંથી અરજદારના વકીલ તરીકે અંજના કે. ચૌહાણે ધારદાર દલીલો તથા ઉચ્ચ અદાલતોની ઓથોરિટીઓ અદાલતમાં રજુ કરી હતી. જે ધ્યાને લઈ અદાલત દ્વારા ભરણપોષણની ૧૧૮ માસની ૨કમ ચઢી ગયેલ હોવા બાબતે અરજદારની કુલ ૧૧૮ માસની ચડત ભરણપોષણની રકમ રૂા. ૮.૨૬ લાખ, વળતરની રકમ રૂા. ૨૦,૦૦૦ અને અરજી ખર્ચના રૂા. ૪,૦૦૦ મળી કુલ રૂા. ૮.૫૦ લાખ નહી ભરવા બદલ દરેક માસની બાકી રકમ ભરવામાં કરેલ કસુર બદલ માસ દીઠ દિન-૩૦ લેખે કુલ ૩૫૪૦ દિવસની જેલસજા ફરમાવી છે. આ કેસમાં અરજદાર પરિણીતા વતી લીગલ એઇડ પેનલમાંથી એડવોકેટ અંજના કે. ચૌહાણ રોકાયા હતા.