Surendranagar,તા.25
સાયલાની કોર્ટે છુટ્ટાછેડા લીધા વગર અન્ય મહિલા સાથે લગ્ન કરનાર પતિને ૩ વર્ષની સજા ફટકારી છે. છેલ્લા ૧૪ વર્ષથી પિયરમાં રહેતી પહેલી પત્નીએ પતિ સામે વર્ષ ૨૦૧૮માં કેસ દાખલ કર્યો હતો. કોર્ટે પતિને દોષિત ઠેરવી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.
સાયલાના જુના જસાપર ગામે પિયરમાં રહેતી પરણિતા મંજુબેન ભરતભાઈ કાંજીયાના ૧૬ વર્ષ પહેલા સાયલાના થોરીયાળી ગામે રહેતા ભરતભાઈ શંકરભાઈ કાંજીયા સાથે થયા હતા. પરંતુ બે વર્ષ લગ્નજીવન સારી રીતે ચાલ્યા બાદ બંનેને એકબીજા સાથે મનમેળ નહીં રહેતા પતિએ મંજુબેનને કાઢી મુક્યા હતા. મંજુબેન છેલ્લા ૧૪ વર્ષથી કોર્ટમાંથી પતિને છુટ્ટાછેડા આપ્યા વિના પિયરમાં રહે છે. આવી સ્થિતિમાં ભરતભાઈએ અંદાજે ૧૦ વર્ષ પહેલા અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા બાદ બે સંતાનોને પણ જન્મ આપ્યો છે. મતદાર યાદીમાં લગ્ન કરેલી અન્ય મહિલા ચંપાબેનના નામ પાછળ ફરિયાદીના પતિનું નામ દાખલ થયું હોવાથી આ મામલે ફરિયાદીએ વર્ષ ૨૦૧૪માં સાયલા પોલીસ મથકે અરજી આપી હતી. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા સાયલા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે તાજેતરમાં ચાલી જતા આધાર પુરાવાના આધારે સાયલા જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટના જજ દ્વારા આરોપી પતિ ભરતભાઈ શંકરભાઈ કાંજીયાને દોષિત ઠેરવી સખત કેદની સજા અને રૂા.૫,૦૦૦નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.