London, તા. 19
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધો અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, તેમના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે અને તેઓ વડાપ્રધાન મોદીની `ખૂબ જ નજીક’ છે.
તેમણે એ પણ ખુલાસો કર્યો કે, તેમણે તાજેતરમાં જ પીએમ મોદી સાથે તેમના જન્મદિવસના એક દિવસ પહેલા ફોન પર વાત કરી હતી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જોકે છતાં ટેરીફ લાદવા પડયા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે બાઈલેટરલ મિટિંગ બાદ પત્રકારો સાથે વાત કરતા ભારત સાથેના તેમના સારા સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, `હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ નજીક છું. હાલમાં જ મેં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અમારા સંબંધો ખૂબ સારા છે અને તેમણે પણ એક સુંદર નિવેદન આપ્યું હતું. પરંતુ મેં તેમના પર પ્રતિબંધો લગાવ્યા.’
ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ચીન અમેરિકાને ખૂબ જ વધુ ટેરિફ ચૂકવી રહ્યું છે અને તેઓ ફક્ત ત્યારે જ સંઘર્ષમાં હસ્તક્ષેપ કરશે જ્યારે `જે લોકો માટે હું લડી રહ્યો છું, તેઓ રશિયા પાસેથી તેલ ખરીદતા હોય ત્યારે નહીં.’
તેમણે વધુમાં કહ્યું કે, જો તેલની કિંમત ઘટશે, તો રશિયા યુક્રેન યુદ્ધમાંથી બહાર થઈ જશે. તેમણે વધુમાં કે, `જો તેલના ભાવ ઘટશે, તો પુતિન બહાર થઈ જશે. તેમની પાસે કોઈ ઓપ્શન રહેશે નહીં. તેઓ તે યુદ્ધમાંથી બહાર થઈ જશે.’
અમેરિકાના રાષ્ટ્રપતિનું તાજેતરનું નિવેદન પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ફોન કર્યા બાદ આવ્યું છે, જેમાં તેમણે પીએમ મોદીના `શાનદાર કામ’ની પ્રશંસા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, `મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર ખૂબ જ સારી વાતચીત થઈ.
મેં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી! તેઓ ખૂબ જ સારૂં કામ કરી રહ્યા છે. પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવામાં તમારા સમર્થન બદલ આભાર!’