પંજાબ અને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં જે રીતે લોકોને તેમની ફિલ્મ માટે જે લગાવ અને પોતાપણું છે, એ આપણામાં નથીઃ સુપ્રિયા પાઠક
Mumbai, તા.૨૬
પંજાબ અને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં જે રીતે લોકોને તેમની ફિલ્મ માટે જે લગાવ અને પોતાપણું છે, એ આપણામાં નથીઃ સુપ્રિયા પાઠક “મેં દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ કરવાનું વિચાર્યું છે, કારણ કે આ મારા મૂળ છે. હું સમજું છું કે સુવિધાઓ અને બજેટની તકલીફો હોય પણ છતાં આપણી પાસે ઘણા સારા વિષયો છે. મને ગુજરાતીમાં હિન્દી કરતાં સારા રોલ મળ્યાં છે. ઘણાં ગુજરાતી કલાકારોને એવું થાય છે, તેથી એ લોકો પણ પાછા આવવા ઇચ્છે છે.” આવું કહે છે, સુપ્રિયા પાઠક.ફરી એક વખત ફિલ્મ, ટીવી અને રંગભૂમિના જાણીતા એભિનેત્રી સુપ્રિયા પાઠક એક ગુજરાતી ફિલ્મ સાથે આવી રહ્યાં છે, ડિકેક્ટર-પ્રોડ્યુસર અભિષેક જૈનની ફિલ્મ ‘આન્ટી-પ્રેન્યર’માં તેઓ જસુ ગાંગાણીના રોલમાં જોવા મળશે. આ પહેલાં તેમણે નવગુજરાત સમય સાથે આ ફિલ્મના પાત્ર, તેમની ફિલ્મની સફર અને સ્ત્રી પાત્રો વિશે વિગતે વાતો કરી હતી. જસુ ગાંગાણીનું પાત્ર વાસ્તવિક જીવનમાં તમારી જાત સાથે કઈ રીતે જોડાય છે, “આ વાત દરેક સ્ત્રીની છે, પછી કે કોઈ હોમ મેકર હોય કે પ્રોફેશનલ, આ દરેક સ્ત્રીની સફર છે. આપણે સતત એક કામ કરતાં જ રહીએ છીએ. જો હું હોમ મેકર હોય તો પણ આ મારી ૨૪ કલાકની જોબ છે. જો હું બહાર જઈને કામ કરતી હોય તો પણ દિવસના નવથી દસ કલાક મારી બીજી જોબ અને જવાબદારી હોય છે. આ સ્થિતિ દરેક સ્ત્રીની છે, દરેક સ્ત્રી એક ભારણ નીચે જીવે છે. તેની પાસે તેના પોતાના માટેનો સમય જીવનમાં ઘણાં પાછળના વર્ષોમાં મળે છે. જ્યારે એક ચોક્કસ ઉમરે પહોચીને કોઈ સ્ત્રીને અનુભૂતિ થાય છે, ત્યારે તે જીવનમાં અલગ પડાવ પર હોય છે. તમને યુવા વયે કોઈ લક્ષ્ય મળી જાય અને જીવનના પાછળના તબક્કામાં મળે તેમાં બે અલગ વ્યક્તિની સફર જેટલો ફરક હોય છે. જસુબેન એક જિદ્દી પાત્ર છે, તે પોતાના સમગ્ર જીવનમાં આવી જ રહી છે. તેના માટે તેની આસપાસની મહિલાઓને તેઓ પણ જિદ્દી છે, એ અનુભૂતિ કરાવવી એની જ આ સફર છે.”આ પહેલાં કેરી ઓન કેસર અને કહેવતલાલ પરિવાર જેવી ફિલ્મ કરી ચૂકેલાં સુપ્રિયા પાઠકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરતાંજણાવ્યું,“ગુજરાતી તરીકે આપણને આપણા ગુજરાતીપણા માટે ગૌરવ નથી. પંજાબ અને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં જે રીતે લોકોને તેમની ફિલ્મ માટે જે લગાવ અને પોતાપણું છે, એ આપણામાં નથી. તેમની વાર્તાઓ તેમનાં લોકોની જ હોય આપણે ત્યાં પાછા પડીએ છીએ. એક કલાકાર તરીકે કે મીડિયા તરીકે આપણે સાથે મળીને લોકોને આ તરફ વાળવાની જરૂર છે. આપણામાં ભેડચાલની આદત પડી ગઈ છે, એક ફિલ્મ ચાલે તો બધી એવી જ ફિલ્મ બનવા માંડશે.”