Rajkot,તા.૨૩
૨૦૧૬ની બેચના આઇએએસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશે રાજકોટના ૫૧મા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે પદભાર સંભાળ્યો છે. નવા કલેક્ટરે જણાવ્યું કે, રાજકોટમાં યોજાનાર લોકમેળો સરકારી ગાઈડલાઈન્સ અનુસાર યોજાશે અને કોઈ બાંધછોડ નહીં થાય. જરૂર પડે તો તેઓ રાઈડધારકો સાથે બેઠક પણ યોજશે. આ ઉપરાંત, રાજકોટ-જેતપુર હાઈવે પર વાહનચાલકોને થતી હાલાકીના મુદ્દે ચર્ચા કરવા સાથે ઔદ્યોગિક વિકાસ માટે પણ પ્રયાસો કરાશે.
ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું કે રાજકોટ જિલ્લો તમામ ક્ષેત્રોમાં વિકાસની પૂરતી સંભાવનાઓ ધરાવે છે. આરોગ્ય, શિક્ષણ અને જિલ્લાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે કામ થશે. તેમણે રાજકોટના વિકાસની સફળતાઓ લોકો સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે એમ પણ કહ્યું કે, ગરીબોને એવો અનુભવ થવો જોઈએ કે સરકાર અને જિલ્લા વહીવટ તેમના માટે કામ કરી રહ્યું છે. રાજકોટમાં અગાઉનો કાર્યકાળનો અનુભવ તેમને વિકાસ અને વહીવટી કામગીરીમાં મદદરૂપ થશે.
આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ૧.૫ વર્ષ, મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ૨.૭૫ વર્ષ અને રાજકોટ ગ્રામ્યમાં પ્રાંત અધિકારી તરીકે ૮ ઓક્ટોબર, ૨૦૧૮થી ૧૭ ડિસેમ્બર, ૨૦૧૯ સુધી ફરજ બજાવી છે. રાજકોટ જિલ્લામાં વિવિધ નાયબ કલેક્ટરના ચાર્જ અને ગીર સોમનાથમાં પ્રોબેશનરી આઇએએસ તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા છે.
ડૉ. ઓમ પ્રકાશે રાજકોટના વિકાસ માટે સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો છે. ગરીબો સુધી સરકારી યોજનાઓનો લાભ, આરોગ્ય અને શિક્ષણનો વિકાસ, ઔદ્યોગિક પ્રગતિ અને રાજકોટ-જેતપુર હાઈવેની સમસ્યાઓનું નિવારણ તેમની પ્રાથમિકતાઓમાં સામેલ છે. લોકમેળાને સુરક્ષિત અને નિયમોનું પાલન કરીને યોજવા માટે પણ તેઓ પ્રતિબદ્ધ છે. રાજકોટનો અગાઉનો અનુભવ અને તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ જિલ્લાને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદરૂપ થશે.