Sydney,તા.09
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમાંથી ચાર પીચોને આઇસીસી દ્વારા ‘ઉત્તમ’ રેટ કરવામાં આવી છે, જ્યારે સિડનીમાં પાંચમી અને અંતિમ ટેસ્ટની પિચને ‘સંતોષકારક’ રેટિંગ મળ્યું છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે આ જાણકારી આપી હતી. ઓસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટની શ્રેણી 3-1 થી જીતી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ક્વોલિફાય કર્યું.
આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું કે, ‘પર્થ સ્ટેડિયમ, એડિલેડ ઓવલ, ગાબા અને માલવર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ ઘણી સારી હતી. છેલ્લી ટેસ્ટ માટે સિડનીની પિચ સંતોષકારક હતી, જેણે આઇસીસી સ્કેલ પર બીજા ક્રમનું સર્વોચ્ચ રેટિંગ મેળવ્યું હતું. સિડનીની પીચ આ વખતે બોલરોને મદદરૂપ હતી અને બંને ઇનિંગ્સમાં બેટ્સમેનો સંઘર્ષ કરતાં જોવા મળ્યાં હતાં.
પિચ પર બેવડું વલણ
સિડનીની પિચ પર લગભગ અઢી દિવસની રમતમાં 34 વિકેટ પડી હતી, જ્યારે મેચનું પરિણામ માત્ર 190.1 ઓવરમાં જ જાહેર કરવામાં આવ્યું હતું. આમ છતાં આઈસીસીએ પીચને સંતોષકારક ગણાવી હતી. બીજી તરફ, ભારત દ્વારા આયોજિત બોર્ડર ગાવસ્કર સિરીઝ 2023 માં ઈન્દોર ટેસ્ટ 189.1 ઓવરમાં સમાપ્ત થઈ ગઈ હતી.
ત્યારે હોલકર સ્ટેડિયમની આ પીચને આઇસીસી દ્વારા ‘નબળી’ રેટ કરવામાં આવી હતી. બીસીસીઆઈની અપીલ બાદ, તેનું રેટિંગ બદલીને ‘એવરેજથી નીચે’ કરવામાં આવ્યું હતું. ઈન્દોરની આ મેચમાં કુલ 31 વિકેટ પડી હતી.
બે પીચ વચ્ચે મોટો તફાવત એ હતો કે સિડનીમાં પેસરો 34 માંથી 33 વિકેટો લીધી હતી કે જ્યારે ઈન્દોરમાં ફાસ્ટ બોલરોએ 4 વિકેટ ઝડપી હતી. અન્ય 26 વિકેટ સ્પિનર્સના નામે હતી.