New Delhi,તા.29
ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એશિયા કપ 2025 ટીમમાં સ્થાન ન મળવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ભારતે આ ટુર્નામેન્ટ માટે પાંચ બોલરોની પસંદગી કરી છે, જેમાંથી ત્રણ ફાસ્ટ બોલરો જસપ્રીત બુમરાહની આગેવાનીમાં રહેશે, પરંતુ શમીને ટીમ અને રિઝર્વ બંનેમાંથી બહાર રાખવામાં આવ્યો છે. શમીને એશિયા કપ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તે ફિટનેસને કારણે બહાર થઈ ગયો છે.
પરંતુ હવે શમીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે એકદમ ફીટ છે અને દુલીપ ટ્રોફી રમવા માટે તૈયાર છે. આ દરમિયાન તેણે BCCI સિલેક્ટર્સને પણ આડે હાથ લીધા.
તમને જણાવી દઈએ કે, શમી આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની ઘરેલુ T20 સીરિઝમાં લગભગ ત્રણ વર્ષ પછી ફોર્મેટમાં વાપસી કરી હતી. જોકે, રાજકોટમાં વાપસી મેચમાં તેને કોઈ સફળતા નહોતી મળી, પરંતુ મુંબઈમાં રમાયેલી મેચમાં તેણે ત્રણ વિકેટ ખેરવી હતી.
આઈપીએલ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે શમીનું પ્રદર્શન ફ્લોપ રહ્યું હતું. તેણે 9 મેચમાં માત્ર 6 વિકેટ ખેરવી હતી અને તેનો ઈકોનોમી રેટ 11.23 રહ્યો હતો. આ દરમિયાન તેને કેટલીક મેચોમાં બહાર પણ બેસવું પડ્યું હતું. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ અને પછી એશિયા કપ ટીમમાંથી પણ તેને અવગણવામાં આવ્યો.
ઘણા લોકો એવું માની રહ્યા હતા કે, શમીની બહાર રાખવાનો નિર્ણય ફિટનેસના કારણે લેવામાં આવ્યો, પરંતુ શમીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે દુલીપ ટ્રોફઈ રમવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે, ‘હું મારી પસંદગી ન થવા બદલ કોઈને દોષ નથી આપતો. જો હું ટીમ માટે યોગ્ય હોઉં તો મને પસંદ કરો, જો નહીં તો કોઈ સમસ્યા નથી. સિલેક્ટર્સની જવાબદારી છે કે, ટીમ ઈન્ડિયા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે. મને મારી ક્ષમતા પર વિશ્વાસ છે કે જ્યારે પણ મને તક મળશે, હું મારું શ્રેષ્ઠ આપીશ. હું સખત મહેનત કરી રહ્યો છું.’ જ્યારે શમીને પૂછવામાં આવ્યું કે, ‘શું તમે એશિયા કપ રમવા માટે ફીટ હતા? તેના જવાબમાં શમીએ કહ્યું કે, જો હું દુલીપ ટ્રોફી રમી શકું તો T20 કેમ ન રમી શકું?’
વાસ્તવમાં ભારતીય બોલર મોહમ્મદ શમીએ એશિયા કપ 2025 ટીમમાં સ્થાન ન મળવા પર પોતાનું મૌન તોડ્યું છે. આ વખતે ટીમ ઈન્ડિયાએ પાંચ સ્પેશિયાલિસ્ટ બોલરોની પસંદગી કરી છે, જેમાં ત્રણ બોલર જસપ્રીત બુમરાહની આગેવાનીમાં સામેલ છે. પરંતુ શમીને ન તો મુખ્ય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે અને ન તો તેને રિઝર્વ ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે.