Chennai,તા.27
જો તમારો ક્રેડીટ સ્કોર ખરાબ હોય તો તમને ભવિષ્યમાં બેંક લોન મેળવવામાં મુશ્કેલી પડી શકે છે પરંતુ હવે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એ પણ નિશ્ચિત થયું છે કે જેને સીબીલ સ્કોર તરીકે પણ ઓળખવામાં આવે છે તે જો ખરાબ હશે તો તમને બેંક અથવા નાણાકીય સંસ્થામાં નોકરી પણ નહીં મળે.
મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના એક કર્મચારીને તેના કંગાળ ક્રેડીટ સ્કોર બદલ અને તેની ક્રેડીટ હીસ્ટ્રી ખરાબ હોવાથી તેને નોકરીમાંથી દૂર કર્યા તે માન્ય રાખ્યો હતો.
હાઈકોર્ટે જણાવ્યું કે, જયારે બેંક સહિતની નાણાકીય સંસ્થાઓ લોકોના નાણા એટલે કે પબ્લીક મનીનું કામકાજ કરતી હોય ત્યારે તેમા જોડાયેલા કર્મચારીઓના ક્રેડીટ સ્ટાન્ડર્ડ પણ યોગ્ય હોવા જોઈએ.
સીબીલ દ્વારા બેંકલોન ઈચ્છનારને તેની ભૂતકાળના બેંક લોન અને નાણાકીય વ્યવહારો મુજબ ક્રેડીટ સ્કોર આપવામાં આવે છે અને તેના આધારે બેંકો ધીરાણ કરતી હોય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા તેના કર્મચારીઓ માટે ક્રેડીટ સ્કોર એક માપદંડ નિશ્ચિત કરવામાં આવ્યો છે અને તેમાં કલેરીકલ ગ્રેડમાં કામ કરતા એક કર્મચારી લોનમાં એકથી વધુ લોનમાં ડીફોલ્ટર થતા અને તેનો ક્રેડીટ સ્કોર પણ ખરાબ હતો.
બેંકે તેના આધારે તેને નોકરીમાંથી દૂર કર્યો હતો. જેને હાઈકોર્ટમાં પડકરવામાં આવતા હાઈકોર્ટે પણ સ્વીકાર્યુ કે બેંક સહિતની નાણાકીય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓની નાણાકીય વિશ્વસનીયતા મહત્વની છે કારણ કે તે જાહેર નાણા સાથે કામ કરે છે.
ન્યાયમૂર્તિ ડી.બી. ચક્રવર્તીના વડપણ હેઠળની ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, વ્યકિત નાણાકીય પરિસ્થિતિ એ બેંકીંગ સહિતના ક્ષેત્રોમાં તેના વ્યાયસાયીક જવાબદારીને પણ અસર કરે છે. બેંક કર્મચારી કે જે જાહેર નાણા સાથે કામ કરે છે તેના માટે પોતાની નાણાકીય વિશ્ર્વસનીયતા પણ મહત્વની છે.