Islamabad,તા.૯
ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનમાં રાજકીય ગરમી પણ વધી રહી છે. જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની મુક્તિ માટે શુક્રવારે પાકિસ્તાનની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ઇમરાન ખાન હાલમાં ભ્રષ્ટાચારના આરોપમાં જેલના સળિયા પાછળ છે અને જેલમાં ડ્રોન હુમલાનો ડર છે.
ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ આ અંગે એક વોટ્સએપ સંદેશ જારી કર્યો છે. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીના ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન અલી અમીન ગંડાપુરે ખાનની મુક્તિ માટે ઇસ્લામાબાદ હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. ખાન (૭૨) રાવલપિંડીના ગેરીસન શહેરની આદિયાલા જેલમાં બંધ છે.
અલી અમીન ગંડાપુરે અરજી દાખલ કરતી વખતે કોર્ટને વિનંતી કરી છે કે ભારત સાથેની વર્તમાન યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય સંવાદિતા અને એકતા ખાતર અને અદિયાલા જેલમાં ડ્રોન હુમલાના ભયને કારણે, તેમને (ઇમરાન ખાન) તાત્કાલિક પેરોલ/પ્રોબેશન પર મુક્ત કરવામાં આવે. કોર્ટે અરજીની સુનાવણી માટે કોઈ તારીખ નક્કી કરી નથી.
ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જોરદાર જવાબ આપતા, ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે સવારે ’ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ મિસાઇલ હુમલા કર્યા.