Rajkot. તા.05
ક્રાઈમ બ્રાન્ચે જાહેર કરેલ નંબરની અસર જોવા મળી છે અને લોકો નિડર બન્યાં હોય તેમ 50 થી વધું કોલ કરી પોલીસને લુખ્ખાઓની માહિતી આપી હતી. જેમાં નાના મવા રોડ પર ગાંજો વેંચતા નામચીન શાહરૂખ જુણાચની પણ બાતમી આપતાં એસઓજીની ટીમે તેને દબોચી લીધો.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ શહેરમાં ક્રાઈમ વધતાં એક વોટ્સએપ નંબર પર જાહેર કર્યો છે. જેમાં લોકોએ નીડરતાથી લુખ્ખાઓ અને ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેંચાણ કરતાં શખ્સોની માહિતી આપી રહી છે. ત્યારે એક કોલ આવ્યો હતો કે, નાના મવા રોડ પર નામચીન શખ્સ ગાંજો વેંચી રહ્યો છે.
જે માહિતીના આધારે વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઈ વી.વી.પ્રાંગુ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા અને ફિરોજભાઇ રાઠોડને નાના મવા સર્કલ આર.એમ.સી. આવાસ યોજના ક્વાર્ટરના ગેઇટ પાસે એક શખ્સ ગાંજાના જથ્થા સાથે ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી જાહેરમાંથી શાહરૂખ કાસમ જુણાચ (ઉ.વ.29, રહે. નાના મવા સર્કલ આર.એમ.સી. આવાસ ક્વાર્ટર બ્લોક નં.14 ક્વાર્ટર નં. 678) ને પકડી પાડી માદક પદાર્થ ગાંજો 1.344 ગ્રામ કબ્જે કરી કુલ રૂ.1.57 લાખનો મુદામાલ જપ્ત કરી પૂછતાછ આદરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, નાના મવા રોડ પર રહેતાં અસલમ ભીખુ સમા નામના શખ્સે તેને સપ્લાય કર્યો હતો. આરોપી ગાંજો છૂટકમાં વેંચાણ કરે તે પહેલાં જ દબોચાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચે જાહેર કરેલ વોટ્સએપ નંબર પર આજ સુધી 50 થી વધું લોકોએ અસામાજિક તત્વોની માહિતી આપી છે અને તેના આધારે પોલીસ તેના ઘરે જઈ કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ, દારૂ, મારામારી, રાયોટીંગ, જુગાર અને દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલ છે.

