Gandhinagar,તા.24
રાજ્ય સરકારના વર્ગ-3 અને વર્ગ-4ના ફિક્સ પગાર કર્મચારીઓને સોંપાયેલા વધારાના કાર્ય માટે હવે 15% ચાર્જ એલાઉન્સ આપવા અંગે નાણાં વિભાગે નવા પરિપત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. અનેક વર્ષોથી ચાલતી માગણી બાદ આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવે છે.
પહેલા ફિક્સ પગારના કર્મચારીને જૂના પગાર પ્રમાણે એલાઉન્સ ચૂકવાતું હતું, પરંતુ હવે પગાર વધારો થયા પછી નવા પગાર પ્રમાણે એલાઉન્સ ચૂકવાશે. ઉદાહરણ તરીકે… ફિક્સ પગારના કર્મચારીને પગાર 30000 હોય તો મૂળ જગ્યાએ એલાઉન્સ 5 ટકા ચૂકવશે અને સિનિયર જગ્યાનો વધારાનો હવાલો આપવામાં આવે તો 10 ટકા એલાઉન્સ ચૂકવાશે. આમ તેને બે જવાબદારી માટેનું 15 ટકા એલાઉન્સ ચૂકવવામાં આવશે.
ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિયેશન દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી રહી હતી, જેના પગલે નાણાં વિભાગે તાજેતરમાં બહાર પાડેલા આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે 20 ઓક્ટોબર, 2021 પછી નિમણૂક પામેલા અને હાલ ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને પણ જો તેમને વધારાની જવાબદારી સોંપવામાં આવી હોય, તો 10% ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે.
આ પહેલાં આ લાભ માત્ર કાયમી થયેલા અથવા નિયમિત કર્મચારીઓને મળતો હતો, જેના કારણે વર્ગ-3ના ઘણા કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદો ઊઠી હતી.
નાણાં વિભાગે બધા વિભાગો તથા જિલ્લા કચેરીઓને આ આદેશ તાત્કાલિક લાગુ કરવાની સૂચના આપી છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો ફિક્સ પગાર કર્મચારીઓને સીધી આર્થિક રાહત મળશે અને કાર્ય ઉત્સાહમાં વધારો થશે એવી અપેક્ષા છે.

