Ahmedabad,તા.13
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા – GUJRERA) એ એક મહત્ત્વના ચુકાદામાં અમદાવાદના સોલા, સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ‘અવધ પ્રાંગણ’ પ્રોજેક્ટના બિલ્ડર મે. શક્તિ બિલ્ડકોન વિરુદ્ધ આદેશ કર્યો છે.
ઓથોરિટીએ બિલ્ડરને પ્રોજેક્ટના કોમન એરિયામાં થયેલ નુકસાનનું રિપેરિંગ ત્રણ માસની અંદર પૂર્ણ કરવા અને સોસાયટીને માસ્ટર ફાઇલની નકલ સોંપવા આદેશ આપ્યો છે.
સોસાયટીની ફરિયાદ અને RERA નો હસ્તક્ષેપ ધ અવધ પ્રાંગણ કો.ઓ.હા.સર્વીસ સોસાયટી લી. દ્વારા ગુજરેરા સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં મુખ્યત્વે બે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા.
બાંધકામમાં ખામીઃ કોમન એરિયામાં આવેલી દીવાલોમાં ભેજ અને તીરાડ પડવાની સમસ્યા. ઉપરાંત, પાર્કિંગ એરિયામાં એક પાઇપ તૂટી જવાની ફરિયાદ હતી. આ પ્રકારની ખામીઓ પર બિલ્ડરની જવાબદારી રેરા એક્ટ હેઠળ નક્કી કરવામાં આવી છે, જે ગ્રાહકોને બાંધકામની ગુણવત્તા સામે રક્ષણ આપે છે.
દસ્તાવેજોનો અભાવઃ પ્રોજેક્ટની માસ્ટર ફાઇલની નકલ સોસાયટીને પૂરી પાડવામાં આવી નહોતી.
RERAનો અંતિમ હુકમ કેસની સુનાવણી બાદ ગુજરેરા દ્વારા આ ફરિયાદને અંશતઃ મંજૂર કરવામાં આવી હતી. ઓથોરિટીએ બિલ્ડર મે. શક્તિ બિલ્ડકોનને સ્પષ્ટ આદેશ કર્યો છેઃ
► બિલ્ડરે આ હુકમ મળ્યાની તારીખથી ત્રણ (3) માસની અંદર પ્રોજેક્ટના કોમન એરિયામાં ભેજ, તીરાડ અને તૂટેલા પાઇપનું સંપૂર્ણ રિપેરિંગ કરી આપવું.
► બિલ્ડરે રજીસ્ટર્ડ થયેલ સોસાયટીને પ્રોજેક્ટની માસ્ટર ફાઇલની નકલ પણ પૂરી પાડવી.
આ ચુકાદો દર્શાવે છે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ, 2016 (RERA Act) હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી પણ બિલ્ડરની જવાબદારીઓ ચાલુ રહે છે અને તે ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરવા માટે એક અસરકારક સાબિત થઈ રહ્યું છે.

