Surat,તા.15
બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજયના 24 કલાકમાંજ આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સુરત વિમાની મથકે ઉષ્માભેર અને ભારત માતા કી જય ના નારા સાથે સ્વાગત કરાયુ હતું.
રાજયની 8 કલાકની મુલાકાતે શ્રી મોદી એરપોર્ટથી હેલીકોપ્ટર મારફત સીધા અંત્રોલી- બુલેટ- ટ્રેન સ્ટેશને પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યુ હતું.
શ્રી મોદી અહીથી રાજયના આદિવાસી ક્ષેત્ર ડેડીયાપાડા પહોંચીને અહી આદિવાસીઓમાં ભગવાન બિસરા મુંડાની જન્મજયંતિના કાર્યક્રમમાં હાજરી આપશે તથા રૂા.9700 કરોડના મિકસ પ્રોજેકટને ખુલ્લા મુકશે. શ્રી મોદી અહી આદીવાસી સમાજ માટે પૂજનીય દેવમોગરા મંદિરમાં દર્શન પણ કરશે અને વિશાળ સભાને સંબોધન કરશે.
બિહારના વિજય બાદ વડાપ્રધાન શ્રી મોદીના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરાયો છે. બપોરે તેઓ દિલ્હી રવાના થતા પુર્વે સાંજે 4 વાગ્યે સુરતના એરપોર્ટ પાસે સુરત અને આસપાસ રહેતા 15000 જેટલા બિહારી વતનીઓને વડાપ્રધાન મળશે અને બિહારી સમાજ દ્વારા મોદીનું અભિવાદન કરાશે.
આ કામકાજનું આયોજન કેન્દ્રીય મંત્રી તથા નવસારીના સાંસદ તથા સુરત ચુંટણીમાં સહપ્રભારી તરીકે રહી ચુકેલા શ્રી સી.આર.પાટીલના આગ્રહથી વડાપ્રધાને ખાસ કર્યુ છે. શ્રી મોદી આદીવાસી ક્ષેત્ર માટે અનેક નવી સુવિધાનો પ્રારંભ કરશે.

