Rajkot, તા. 24
આગામી તા. 26ના સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના પ6પ.63 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. પરંતુ કાર્યક્રમનું લીસ્ટ ફાઇનલ થતા પૂર્વે કેકેવી ચોક હેઠળ બનાવવામાં આવેલા નવા ગેમ ઝોનનું ઉદઘાટન આ યાદીમાંથી નીકળી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
બુધવારે મુખ્યમંત્રી કટારીયા ચોકડીએ પ્રથમ કેબલ બ્રીજ અને અન્ડરબ્રીજનું ભૂમિપૂજન કરવાના છે. નવા રીંગ રોડ ડેવલપમેન્ટ, માઇનોર બ્રીજ, નવી રપ સીટી બસના લોકાર્પણ, બાંધકામ અને વોટર વર્કસ, ડ્રેનેજ શાખાના કામો, આવાસ યોજનાના ડ્રો આ દિવસે કરવામાં આવશે. હવે આ કાર્યક્રમ ફાઇનલ થઇ ગયો છે અને તેના આમંત્રણ કાર્ડ પણ છપાઇ ગયા છે. આ લીસ્ટમાંથી એક નાનો છતાં ચર્ચાસ્પદ પ્રોજેકટ સાઇડમાં કરી દેવાયો છે.
રાજય સરકારે અમદાવાદ, વડોદરાની જેમ રાજકોટના ઓવર બ્રીજ હેઠળ સ્પોર્ટસ ઝોન શરૂ કરવા સૂચના આપતા મહાપાલિકાએ કેકેવી ચોક બ્રીજ હેઠળ આકર્ષક ગેમ ઝોન બનાવ્યો છે. બોકસ ક્રિકેટ, પીકલ બોલ, કેરમ અને ચેસ, ટેબલ ટેનિસ સહિતની સ્પોર્ટસ એકટીવીટી અહીં થવાની છે.
પરંતુ યોજના જાહેર થયા બાદ ટ્રાફિકના પ્રશ્ને સવાલો ઉભા થયા હતા. કોંગ્રેસે આ યોજનાની જગ્યા ફેરવવા માંગણી કરી હતી. પરંતુ સરકારનો પ્રોજેકટ પૂરો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે તેના ઉદઘાટનની તૈયારી કરાઇ હતી.
પરંતુ આ લોકાર્પણ મુખ્યમંત્રીના લીસ્ટમાંથી કાઢી નંખાયું છે. આ ઉદઘાટન હાલ મોકુફ રહેશે. પરંતુ ગેમ ઝોન સંપૂર્ણ તૈયાર થઇ ગયો છે. જે તે વખતે રાજમાર્ગ પર અકસ્માત જેવી કોઇ ઘટના બને તેવી રજુઆતો મેયર નયનાબેન પેઢડીયા પાસે આવતા તેમણે પણ આ પ્રોજેકટની મંજૂરીમાં સુર પુરાવ્યો ન હતો. અંતે હાલ આ ગેમ ઝોનનું ઉદઘાટન મોકુફ રહી ગયું છે.