Surat,તા.૮
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રિક્ષાની મુસાફરીને સુરક્ષિત માનનારાઓ માટે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. રિક્ષાની આડમાં નિર્દોષ મુસાફરોને નિશાન બનાવી ચપ્પુ બતાવીને લૂંટની ઘટનાઓ આચરનારી એક સાતીર ગેંગનો પર્દાફાશ થયો છે. સુરત જિલ્લા પોલીસે આ ગેંગને પકડવા માટે ખાસ ટ્રેપ ગોઠવી, જેની સફળતા બાદ આખો મામલો પ્રકાશમાં આવ્યો છે.
પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગના સભ્યો નિર્દોષ મુસાફરોને રિક્ષામાં બેસાડવાના બહાને તેમની સાથે છેતરપિંડી કરતા હતા. મુસાફરોને અવાવરૂ જગ્યાએ લઈ જઈ, ચપ્પુ બતાવીને તેમનો કિંમતી સામાન, જેમ કે મોબાઈલ, નાણાં અને ઘરેણાં લૂંટી લેતા હતા. આ ગેંગ એટલી બેખોફ અને સાતીર હતી કે તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા.
જિલ્લા પોલીસ વડાને મળેલી ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે, સુરત જિલ્લા પોલીસ, ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. ગ્રામ્ય વિસ્તારમાં ગોઠવેલી એક ટ્રેપ દરમિયાન પોલીસે આ ગેંગને લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલાં જ ઝડપી પાડી. પકડાયેલા આરોપીઓની ઓળખ ફેયાઝ કયુમ શાહ, રિઝવાન ઉસ્માન શેખ અને એઝાઝ હારુન રાઉમા તરીકે થઈ છે, જેઓ સુરતના કોસાડ આવાસના રહેવાસી છે. આરોપીઓ પાસેથી ચપ્પુ અને લૂંટેલો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
ફેયાઝ કયુમ શાહ સામે સુરતના અમરોલી, અડાજણ, રાંદેર, કતારગામ અને વરાછા પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે. રિઝવાન ઉસ્માન શેખ સામે પણ કતારગામ, અમરોલી અને રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે એઝાઝ હારુન રાઉમા સામે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. ચોથો આરોપી એટલો નાની ઉંમરનો છે કે તેની મૂછો પણ હજુ ફૂટી નથી, પરંતુ તે પણ ગુનાખોરીની દુનિયામાં ઉતરી પડ્યો છે.