Mumbai,તા.01
ઈન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની અંતિમ મુદત વધુ સાત દિવસ લંબાવવામાં આવી છે. આઈટીઆરની વેબસાઈટ પર ફાઈલિંગમાં સમસ્યાઓ નડી રહી હોવાની ફરિયાદો બાદ સીબીડીટીએ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત લંબાવી 7 ઓક્ટોબર કરી છે. જે અગાઉ 30 સપ્ટેમ્બર હતી.
સીબીડીટીએ નોટિફિકેશન જારી કરી જણાવ્યું હતું કે, આકારણી વર્ષ 2024-25ના વર્ષ દરમિયાન ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદતમાં વધારો કરી આપવામાં આવ્યો છે. કરદાતાઓ તેમને મળેલા વધારાના સાત દિવસનો લાભ લઈને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરી દેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
ડેડલાઈનમાં એક્સટેન્શન મળતાં કરદાતાઓ કુલ વાચણના 1.5 લાખ કે 0.5 ટકાની પેનલ્ટી ભરવાથી બચી શકશે.
આ લોકોને થશે ફાયદો
વ્યક્તિગત કરદાતાઓ, કંપનીઓ અને અન્ય તમામ કરદાતાઓ કે જેમણે તેના રિટર્ન પર ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાનો છે, તે તમામને મુદત વધારાનો લાભ થશે. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઈલિંગમાં અડચણો નડતાં કેન્દ્રીય નાણા મંત્રી સમક્ષ અનેક ફરિયાદો કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લેતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે મુદતમાં વધારો કરી આપ્યો છે. આઈટીઆર વેબસાઈટ પર ટેક્નિકલ ખામી અને વધુ પડતાં ફાઈલિંગના કારણે લોડ વધી ગયો હતો. ખાસ કરીને ફોર્મ 10B/10BB અને અન્ય ફોર્મ ફાઈલિંગમાં અડચણો આવી રહી હતી. જેની ડેડલાઈન 7 નવેમ્બર, 2024 સુધી લંબાવવા માગ કરાઈ હતી.