Ahmedabad,તા.30
દેશમાં કૃષિ જમીન અને કૃષિમાંથી થતી આવક એ આવકવેરામાંથી મુકત છે અને તેના કારણે કૃષિની આવક ઉપર કોઈપણ પ્રકારનો ટેકસ લઈ શકાતો નથી આ પ્રકારની વ્યવસ્થાનો ગેરલાભ ઉઠાવીને કૃષિની જમીનની ખરીદ વેચાણમાં થતા મની લોન્ડ્રીંગ એટલે કે કાળા નાણાને ધોળા કરવાની વ્યાપક પ્રવૃતિ પર આગામી દિવસોમાં લગામ આવી શકે છે.
ખાસ કરીને દેશભરમાં આ પ્રકારે કૃષિની જમીનના ખરીદ વેચાણમાં મોટા પાયે મની લોન્ડ્રીંગ થતું હોવાનું બહાર આવ્યા બાદ અમદાવાદની ટેકસ ટ્રીબ્યુનલનો એક ચુકાદો મહત્વપૂર્ણ બની રહેશે જેમાં કૃષિની જમીનમાં પણ ખરીદ વેચાણમાં પણ કેપીટલ ગેઈન ટેકસ સહિતની જોગવાઈઓ લાગુ કરવા માટે તૈયારી છે.
જો કે હાલ ઈન્કમટેકસ અપેલેટ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને આગામી દિવસો તે સુપ્રીમ કોર્ટ સુધી જાય તેવી શકયતા છે. જો કાનૂની પડકારના અંતે આવકવેરા વિભાગની ટ્રીબ્યુનલનો ચુકાદો માન્ય રાખવામાં આવે તો દેશભરમાં કૃષિ જમીનના ખરીદ વેચાણમાં જે વ્યાપક મની લોન્ડ્રીંગ થાય છે તેનો અંત આવશે.
આ અંગે એક રસપ્રદ કે કેસ ટ્રીબ્યુનલ સમક્ષ આવ્યો હતો, જો કે દ્રષ્ટાંત રૂપે કહેવાયું કે, રૂા.10 કરોડની બજાર કિંમત ધરાવતી કૃષિની જમીનનો સોદો અન્ડરવેલ્યુ એટલે કે તેની બજાર કિંમતથી ઓછી કિંમતના દસ્તાવેજથી થયો હતો. રૂા.10 કરોડની જમીનમાં રૂા.2 કરોડનો સેલ ડીડ એટલે કે વેચાણ દસ્તાવેજ બનાવો છો અને રૂા.8 કરોડ રોકડમાં ચુકવાયા હતા.
ખેડુતોને કોઈ ટેકસ ચુકવવાનો હોતો નથી અને તેથી જ આવકવેરા વિભાગ તે પ્રકારના સોદામાં તપાસ કરતું નથી. બાદમાં રૂા.10 કરોડની બજાર કિંમતની કૃષિની જમીન ફરી એક વખત ખરીદનારે વેચાણમાં મુકીને રૂા.10 કરોડનો જ દસ્તાવેજ બનાવીને આ રીતે પોતાના રૂા.8 કરોડને વ્હાઈટ બનીમાં ફેરવી નાખ્યા.
આ બન્ને વહેવારોમાં રૂા.8 કરોડના કાળા નાણા વ્હાઈટમાં પલ્ટાઈ ગયા આમ છતા પણ ખરીદનાર અને વેચનાર ખેડૂત હોવાથી તેના પર કોઈ ટેકસ વસુલાતો નથી. આમ અન્ડરવેલ્યુ વહેવારથી મોટાપાયે મની લોન્ડ્રીંગ ચાલતું હોવાનું આવકવેરા વિભાગને વ્યાપક શંકા છે.
હવે કૃષિની જમીનએ ‘ઈનમુવેબલ એસેટસ’ એટલે કે સ્થાવર મિલ્કત તરીકે ઓળખવામાં આવે છે. આવકવેરાની કલમ 56 (2) (એકસ) મુજબ સામાન્ય રીતે આ પ્રકારની સ્થાવર મિલકત પર ખરીદ અને વેચાણ કિંમત વચ્ચે તફાવત હોય તે તેના પર ટેકસ વસુલાય છે. પરંતુ અત્યાર સુધી આવકવેરાની આ જોગવાઈ કૃષિ જમીનને લાગુ કરવામાં આવી ન હતી.
જયારે ટ્રીબ્યુનલે તા.27 મેનાં ચુકાદામાં જણાવ્યું કે આવકવેરાની કલમ 56 (2) (એકસ)માં આ પ્રકારે સ્થાવર મિલ્કત અંગે કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી એટલે કે તેમાં કૃષિની જમીન બાકાત છે તેવું દર્શાવવામાં આવ્યું નથી અને જે રીતે સામાન્ય અર્થ થાય તે તમામ સ્થાવર મિલકતને તે લાગુ પડે છે.
તેથી જ કૃષિની જમીનને પણ આ પ્રકારે ટેકસ લાગુ થાય છે. આમ કહીને ટ્રીબ્યુનલ દ્વારા તેની સમક્ષ આવેલા કૃષિની જમીનના સોદામાં જે કેપીટલ ગેઈન હતો તેના પર ટેકસ વસુલાયો છે.
આમ કૃષિની જમીનને કેપીટલ ગેઈનટેકસમાંથી મુકિત મળતી નથી તે સ્થાપિત કરવામાં આવ્યું છે અને હવે તે મુદો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. અને તે સંદર્ભમાં હવે રસપ્રદ કાનૂની લડાઈ સર્જાશે.
આ કેસમાં એવી દલીલ થઈ કે ચોકકસપણે આવકવેરાની કલમ 56 (2) (એકસ) મુજબ સ્થાવર મિલ્કત ઉપર કેપીટલ ગેઈન ટેકસ લાગે છે કૃષિની જમીનને તેમાં અપવાદ અપાયો નથી પણ એ દલીલ થઈ છે કે કૃષિની આવક એ આવકવેરા મુકત છે.
તેથી કૃષિ જમીનના જમીન વેચાણ પણ પણ કોઈ કેપીટલ ગેઈન ટેકસ લાગી શકે નહીં હવે હાઈકોર્ટ અને ત્યારબાદ સંભવત સુપ્રીમ કોર્ટ તેના પર આખરી વલણ લેશે.
કૃષિની જમીનના ખરીદ વેચાણમાં અન્ડરવેલ્યુ એટલે કે બજાર કિંમતથી ઓછી કિંમતના વ્યવહારો થાય છે ખરીદનાર વ્યકિત પોતાના કાળા નાણા ખેડૂતને ચૂકવે છે ખરીદનાર અને વેચાનાર બન્ને ખેડૂત હોવાથી કોઈ આવકવેરા તપાસ થતી નથી.
જયારે બાદમાં ખરીદનાર તેજ જમીન થોડા સમયે ઉંચા ભાવે એટલે કે બજારભાવે વેચીને પોતાના કાળા નાણાને વ્હાઈટમાં ફેરવી નાખે છે અહીં પણ સ્થાવર મિલ્કતની જેમ કેપીટલ ગેઈન ટેકસ ખરીદ વેચાણમાં કૃષિની જમીન હોવાથી લાગુ થતો નથી અને તેથી પુરા વ્યવહારમાં મોટી રકમ કાળા નાણામાંથી ધોળા નાણામાં ફેરવાઈ જાય છે.