New Delhi,તા.13
આયકર વિભાગ AI-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લઈને હવે બેન્ક ખાતાંઓ પર નજર રાખી રહી છે. બેન્કના બચત બેન્ક ખાતાંમાં અસામાન્ય રીતે ઊંચું બેલેન્સ જોવા મળશે તો પણ કરદાતાની પૂછપરછ કરે તેવી સંભાવના છે.
સેવિંગ્સ એકાઉન્ટમાં ખર્ચ ઓછો હોવા છતાં વધારે સિલક-બેલેન્સ દેખાય તો પણ આવકવેરા વિભાગ તમારા નાણાંના સ્ત્રોત અંગે સ્પષ્ટતા માંગે તેવી શક્યતા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટ્રેકિંગથી વિભાગે ઘણા કિસ્સાઓ શોધી કાઢ્યા છે જેમાં વ્યક્તિઓએ અજાણ્યા સ્ત્રોતમાંથી મળેલા નાણાં વાપર્યા હોવાનું બહાર આવ્યું છે.
આવકવેરા વિભાગે તપાસ અને ડેટા એનાલિસિસ- એકત્રિત થયેલી માહિતીનું વિશ્લેષણ કર્યું તેના પરથી જાણવા મળ્યું છે કે ઘણા ખાતાંધારકો વર્ષોથી પગારના ખાતાંમાંથી માત્ર નાની રકમ જ ઉપાડતા હતા. જ્યારે નોટિસ મોકલવામાં આવી, ત્યારે ઘણા લોકોએ રોજિંદા ખર્ચ, બાળકોની ફી અને અન્ય જરૂરિયાતો માટે પૈસા ક્યાંથી આવ્યા તે સમજાવી શક્યા ન હતા.
બેન્કના રેકોર્ડ મુજબ આવા ખાતાઓમાંથી રોકડ ઉપાડ ખૂબ ઓછી હતી. પરિણામે આવકવેરા અધિકારીઓએ માની લીધું હતું કે આ પ્રકારના કરદાતાઓ ગુપ્ત કે અઘોષિત આવકનો ઉપયોગ રોજિંદા ખર્ચ કરવા માટે કરી રહ્યા હતા.
આ નાણાં તેમની આવકમાં બતાવતા જ નહોતા. આમ તેઓ જાહેર ન કરેલી આવકના નાણાંનો એટલે કે બ્લેક મનીનો ઉપયોગ કરી રહ્યા હતા. આવકવેરા વિભાગે આવા કિસ્સાઓમાં કરચોરીની સંભાવના માનીને નોટિસ મોકલવા માંડી છે.
આવકવેરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પહેલેથી આ પ્રકારની કરચોરીની પદ્ધતિ વેપારી વર્ગમાં વધુ જોવા મળતી હતી. તેમાં વ્યક્તિગત ખર્ચને કંપનીના ખર્ચ તરીકે બતાવવામાં આવતો હતો. પરંતુ હવે આ રીત પગારદાર કરદાતાઓ પણ અપનાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે કે, આવકવેરા વિભાગ હવે આવા સેવિંગ્સ એકાઉન્ટ્સ પર નજર રાખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યો છે. આર્ટિફિશિયલ જોડાયેલા વર્ષભરના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરે જ છે. આ વિશ્લેષણ કરીને એવા ખાતાઓ શોધે છે.
જેમાં જમા રકમ ઉપાડ કરતા ઘણી વધારે હોય છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે વ્યક્તિ પોતાની આવકના 30-40 ટકા જેટલો ભાગ જીવન જરૂરિયાતો માટે ખર્ચે છે. જો કરદાતા બેન્કના ખાતાંમાંથી ઉપાડ ઓછો કરતા હોય તો તે ખાતાંને તપાસ માટે પસંદ કરવામાં આવે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સિસ્ટમ પાન કાર્ડ સાથે ઇન્ટેલિજન્સ આધારિત દેખરેખથી આવકવેરા વિભાગ હવે જાહેર કરેલી આવક અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત સરળતાથી શોધી શકે છે.

