Mumbai,તા.17
અર્થતંત્રને બેઠું કરવા ચીન દ્વારા જાહેર કરાઈ રહેલા સ્ટીમ્યુલ્સને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડ મેનેજરો ભારતના ભોગે ચીનમાં પોતાની ફાળવણી વધારી રહ્યાનું બોફા સિક્યુરિટીસના સર્વેમાં જણાયું છે. હાલમાં ચીનમા ંનીચા મૂલ્યાંકને રોકાણ કરવામાં સારુ વળતર મળી રહેવા ફન્ડો આશા રાખી રહ્યા છે.
મંદ પડેલા આર્થિક વિકાસને ગતિ આપવાના પ્રયાસમાં સરકાર ઋણ સાધનો જારી કરવામાં નોંધપાત્ર વધારો કરશે એમ ચીનની સરકારે ગયા સપ્તાહમાં જાહેર કર્યું હતું, આ અગાઉ સપ્ટેમ્બરમાં નાણાંકીય ટેકાની પણ જાહેરાત કરાઈ હતી જે કોરોના બાદ સૌથી મોટા નાણાંકીય પગલાં હતા.
નીતિવિષયક પહેલોને કારણે ચીન ફરી વિકાસના પંથે જોવા મળશે એમ બોફા સિક્યુરિટીસના એક રિપોર્ટમાં જણાવાયું છે.
બોફા દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ભાગ લેનારાઓએ આ વખતની સ્થિતિ અલગ હોવાનું જણાવ્યું હતું અને તેમણે અન્યત્ર તકો શોધવાનું માંડી વાળી ફરી ચીનમાં જઈ રહ્યાના સંકેત આપ્યા હતા.
ચીન તરફ તેમની ફરીથી ફાળવણી ભારતીય ઈક્વિટીસના ભોગે થઈ રહી હોવાનું પણ સર્વેમાં જણાયું છે.
વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી અંદાજે આઠ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચી લીધું છે. ઓગસ્ટમાં મોટી સંખ્યાના ફન્ડ મેનેજરો ભારત બાબતે ઓવરવેઈટ હતા પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, અને ઓવરવેઈટના બદલે અન્ડરવેઈટ ધરાવતાઓની સંખ્યા વધી ગઈ હોવાનું સર્વેમાં નોંધવામાં આવ્યું છે.
ભારતીય ઈક્વિટીસમાં ઊંચા મૂલ્યાંકનોને લઈને એનાલિસ્ટો દ્વારા ઉચ્ચારાઈ રહેલી ચેતવણીને કારણે ફન્ડ મેનેજરોનો મિજાજ બદલાઈ રહ્યો છે.
ગયા સપ્તાહમાં ચીનનો ઈક્વિટી ઈન્ડેકસ નોંધપાત્ર વધ્યો હતો. ચીનની ઈક્વિટીસના મૂલ્યાંકનો હાલમાં આકર્ષક જણાઈ રહ્યા છે અને સ્ટીમ્યુલ્સને કારણે તેમાં વળતર મળી રહેવા રોકાણકારોને આશા છે.