જ્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) હિંસક ઘટનાના વધતા વલણની જાણકારી આપે ત્યારે તે કાયદો તોડવા બાબતના સમાચાર બને. જ્યારે તપાસ એજન્સી કોઈ યુવા યુગલને ફટકારે અથવા કોઈ વ્યક્તિ સાથે મારપીટ કરે ત્યારે આ સમાચાર માથા અને હાડકા તોડવા બાબતના થાય. જ્યારે અધિકારીઓ કથિત અતિક્રમણ તોડવા બુલડોઝરોનો ઉપયોગ કરે ત્યારે તે ઘર તોડવા બાબતના સમાચાર બને. જ્યારે માનનીય વડા પ્રધાન વિપક્ષને, ખાસ કરીને કોંગ્રેસને ટુકડે ટુકડે ગેંગ અથવા અર્બન નક્સલ તરીકે સંબોધે ત્યારે તેનાથી કંટાળો ઉપજે.
આશા અને હૃદય તોડતા સમાચારઃ સૌથી મહત્વના બ્રેકિંગ ન્યુઝ જે હું શેર કરવા માગુ છું તે તમારી આકાંક્ષાઓ અને તમારા મનોબળ તોડી શકે. એમ વી કામથ એક પ્રસિદ્ધ બેન્કર છે. તેમણે જ આઈસીઆઈસીઆઈને ભારતની સૌથી અગ્રણી બેન્ક બનાવી. તેઓ બ્રિક્સ બેન્ક ન્યુ ડેવલપમેન્ટ બેન્કના પ્રથમ અધ્યક્ષ હતા. હાલ તેઓ નેશનલ બેન્ક ફોર ફાયનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટના અધ્યક્ષ છે. તાજેતરમાં એક પુસ્તકની સમીક્ષા દરમ્યાન તેમણે ૨૦૪૭ સુધીમાં વિકસીત ભારતનો દરજ્જો હાંસલ કરવા દેશે જે પથ અપનાવવો જોઈએ તેનું વિશ્લેષણ કર્યું હતું.
એક અગ્રણી અખબારમાં એક લેખમાં કામથે લેખક કૃષ્ણામુર્થી સુબ્રમણિયનની ભારતે ભૂતકાળના નિરાશાજનક બંધનોમાંથી મુક્ત થઈને યોગ્ય વિચારસરણી દ્વારા સમર્થિત હિંમતભર્યા લક્ષ્યાંકો સ્થાપવાની જરૂર હોવાના તેમના મૂળભૂત થીમને ખાતરીપૂર્વક રજૂ કરવા બદલ પ્રશંસા કરી હતી. કામથે લેખક સાથે સહમતિ દર્શાવી કે વાર્ષિક ૧૨.૫ ટકાના નજીવ વૃદ્ધિ દરે પ્રત્યેક છ વર્ષે જીડીપી બમણી થઈને ૨૦૨૩માં ૩.૨૮ ટ્રિલિયન અમેરિકી ડોલરમાંથી ૨૦૭માં ૫૫ ટ્રિલિયન અમેરિકી ડોલર બની શકે છે. આ બાબત સંભવિત છે. હું તેની સાથે સંપૂર્ણપણે સહમત થાઉ છું અને આવા સાતત્યપૂર્ણ વિકાસનું લક્ષ્ય રાખવા અગાઉ દલીલ પણ કરી હતી.
લેખના અંતે ડંખઃ કામથની સમીક્ષાના છેલ્લા છ ફકરામાં ડંખ છે. તેઓ ૧૦૦ વર્ષના ભારતને આકાર આપનારા ચાર સ્તંભોની યાદી બનાવીને શરૂઆત કરે છે. આ ચાર સ્તંભો છે વિકાસ પ્રત્યે મેક્રો-ઈકોનોમિક અભિગમ, સામાજિક અને આર્થિક સમાવિષ્ટતા, ખાનગી ક્ષેત્ર દ્વારા નૈતિક સંપત્તિ સર્જન અને ખાનગી રોકાણ દ્વારા પ્રજ્વલિત સદ્ગુણ ચક્ર. તો આપણે વર્તમાન સરકાર હેઠળ આ સ્તંભોનું વિશ્લેષણ કરીએઃ
વૃદ્ધિ પ્રત્યે મેક્રો-ઈકોનોમિક અભિગમઃ મેક્રો-ઈકોનોમિક પર અતૂટ ફોકસના સંકેતો છે નાણાંકીય ખાધ, ફુગાવા અને વ્યાજ દરનો ડાટા, ચાલુ ખાતાની ખાધ અને દેવા-જીડીપી પ્રમાણ. સરકારે હાલ જીડીપીના ૫.૬ ટકાએ ચાલી રહેલી ચાલુ ખાતાની ખાધને ૩ ટકાએ લાવવા ઘણી મહેનત કરવી પડશે. ફુગાવો હજી પણ ચાર ટકાની ઉપર છે અને આરબીઆઈ રેપો રેટ મે ૨૦૨૨થી ૬.૫ ટકાએ છે. ચાલુ ખાતાની ખાધ હજી પણ ૨૦૨૩-૨૪ના અંતે ૨૩.૨ અબજ અમેરિકી ડોલર જેટલી વિશાળ હતી પણ વિદેશી હુંડિયામણે આપણી લાજ રાખી લીધી. દેવા-જીડીપી પ્રમાણ હજી પણ સંભાળી શકાય તેવું છે. આમ રેકોર્ડ મિશ્ર છે.
સામાજિક અને આર્થિક સમાવિષ્ટતાઃ મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે અસમાનતા ઘટાડવાના નિષ્ફળ પ્રયાસ. મૂડીવાદી મિત્રો, વધુ મૂડીની જરૂર હોય તેવા ઉદ્યોગોમાં જાહેર રોકાણ, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, જાહેર જનતાના ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર વેરા, ઈંધણના વધતા ભાવ, અપૂરતા લઘુત્તમ વેતન, ભાડૂતી ખેડૂતોની ઉપેક્ષા, ગરીબો દ્વારા ઉપયોગમાં લેવાતી સેવાઓ પ્રત્યે પૂર્વગ્રહ (દા.ત. રેલવેમાં વંદે ભારત ટ્રેનો વિ. બીજા વર્ગ અને બિનઆરક્ષિત કોચ) તેમજ અન્ય નીતિઓએ ટોચની એક ટકા વસતી તેમજ તળિયાની ૨૦ ટકા વસતી વચ્ચેની આર્થિક અસમાનતામાં વધારો કર્યો છે. કામથે વર્ણવેલો બીજો સ્તંભ અસ્થિર અને અશક્ત છે.
ખાનગી ક્ષેત્ર દ્વારા નૈતિક સંપત્તિનું સર્જનઃ છેલ્લા દસ વર્ષમાં બેન્કના ગોટાળા અને કોર્પોરેટ ગેરરીતિઓમાં વધારો થયો છે. નાદારીના નિયમનો ઉપયોગ બેન્કના દેવા માંડી વાળવા અને કથિત નિષ્ફળ કંપનીઓ પર નિયંત્રણ મેળવવા થઈ રહ્યો છે. નાદારીના કાયદા હેઠળનો રિકવરી દર માત્ર ૩૨ ટકા છે. નાદારીના સફળ અરજદારોને મબલખ લાભ થયો છે. સખત નિયમો, કંટાળાજનક નિયંત્રણો અને દમનકારી વેરા પ્રશાસને ઉદ્યોગસાહસિકોની નૈતિકતા હણી નાખી છે. યુવા ઉદ્યોગસાહસિકો વિદેશમાં વેપાર કરવાનું અથવા સ્થળાંતર કરવાનું વધુ પસંદ કરે છે. ૪૩૦૦ ભારતીય અબજપતિઓએ દેશ છોડી દીધો છે (રુચિર શર્મા, ટીઓઆઈ). કોમ્પીટીશન કમિશને વાસ્તવમાં ઈજારાશાહીને પ્રોત્સાહન આપ્યું છે. એરલાઈન્સ, બંદરો, એરપોર્ટ, ટેલીકોમ્યુનિકેશન્સ, ઓઈલ રિફાઈનરી અને સૌર ઊર્જા જેવા ઉદ્યોગોમાં નહિવત સ્પર્ધા છે. સીમેન્ટ, સ્ટીલ, પાવર અને રિટેલમાં ઝડપથી એકત્રીકરણ થઈ રહ્યું છે અને સ્પર્ધા વધશે કે ઘટશે તે પણ સ્પષ્ટ નથી. આ વલણો સ્પર્ધાત્મક બજાર અર્થતંત્ર માટે સારા સંકેત આપતા નથી જે ખાનગી ક્ષેત્ર દ્વારા નૈતિક સંપત્તિ નિર્માણની ખાતરી કરવા માટેનો સમય-બાધિત માર્ગ છે.
ખાનગી ક્ષેત્ર દ્વારા રચાયેલું નૈતિક ચક્રઃ સરકારની અપીલો, પ્રોત્સાહનો, દબાણ અને ધમકી છતાં ખાનગી રોકાણ સરકારી રોકાણ કરતા પાછળ રહ્યું છે. સરકાર વેપારીઓ પર વિશ્વાસ ન કરતી હોવાને કારણે વેપારીઓને પણ સરકાર પર વિશ્વાસ નથી. ભપકાદાર લગ્નો, શંકાસ્પદ રીતે ઉદ્યોગો સંપાદિત કરવા જેવી બાબતોએ વાતાવરણ ડહોળી નાખ્યું છે. વર્ષ ૨૦૦૦થી સિંગાપોરમાં આઠ હજારથી વધુ કંપનીઓએ નોંધણી કરી છે. તપાસ એજન્સીઓની વધુ પડતી દખલગીરીએ વેપારીઓમાં ભય ફેલાવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં નાણા મંત્રીએ સવાલ કર્યો હતો કે ભારતીય વેપારીઓને ભારતીય અર્થતંત્રમાં રોકાણ કરતા કોણ રોકે છે?કામથ આપણને આ મુદ્દાઓ વિશે વધુ સમજણ આપવા વિશેષ લાયકાત ધરાવે છે.