New Delhi,તા.18
આગામી તા.21થી ચોમાસા સુત્ર શરૂ થઈ રહ્યું છે અને તેમાં સરકાર તથા વિપક્ષ વચ્ચે ઓપરેશન સિંદૂરથી લઈને બિહારની મતદાર યાદી સહિતના મુદે જબરી ટકકર સર્જાવાની ધારણા છે અને વિપક્ષ દ્વારા ખાસ કરીને અમેરીકા સાથેના ટેરીફનો મુદો પણ ચગાવાશે.
તે સમયે હવે વિપક્ષની સંયુકત રણનીતિ નકકી કરવા આવતીકાલે ‘ઈન્ડીયા ગઠબંધન’ની પ્રથમ બેઠક યોજાઈ રહી છે અને તેમાં સંસદમાં સંયુકત રણનીતિ અપનાવવાનો એજન્ડા નિશ્ચિત થશે.
જો કે હાલમાં જ યોજાયેલી ધારાસભા ચૂંટણીઓમાં જે રીતે ઈન્ડીયા ગઠબંધનને સાથી પક્ષોએ એક બીજા સાથે ચૂંટણી લડી અને આ ગઠબંધન ફકત લોકસભા ચૂંટણી પૂરતુ મર્યાદીત હતુ તેવી અનેક સાથી પક્ષોની જાહેરાત વચ્ચે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેના આવાસ ખાતે વિપક્ષી નેતાઓ મળશે તેમાં કોણ કોણ હાજર રહે છે તેના પર સૌની નજર છે.
આ ગઠબંધનમાં કોંગ્રેસ ઉપરાંત શિવસેના (ઉધ્ધવ ઠાકરે) રા.જ.દ., સમાજવાદી પાર્ટી, એનસીપી (શરદ પવાર જુથ), ઉપરાંત ડાબેરી પક્ષો અને આમ આદમી પાર્ટી તેમજ નાના પક્ષો તેમજ તુણમુલ કોંગ્રેસનો એક સમયે સમાવેશ હતો પરંતુ હવે તેઓ આવતીકાલે એક સાથે દેખાશે કે કેમ તેના પર નજર છે.
ખાસ કરીને બિહારની ચૂંટણીઓના સંદર્ભમાં ઈન્ડીયા ગઠબંધનના પક્ષોની કસોટી થનાર છે તે સમયે રાષ્ટ્રીય મુદાઓ પર તેઓ એક થઈ શકે છે કે કેમ તે આવતીકાલે નિશ્ચિત થશે.
અગાઉ ઉધ્ધવ ઠાકરે અને અરવિંદ કેજરીવાલએ પોતાના વિધાનોથી ઈન્ડીયા ગઠબંધનનો અંત આવ્યો હોવાનું જણાવ્યું હતું એટલું જ નહીં મમતા બેનરજી પણ ભૂતકાળમાં આ પ્રકારની બેઠકમાં હાજર રહ્યા ન હતા અને પહેલગામ હુમલા મુદે વિપક્ષોએ વડાપ્રધાનને મોકલેલા પત્રમાં પણ તેઓએ સહી કરી ન હતી અને તે વચ્ચે અનેક રાષ્ટ્રીય મુદાઓ પર સરકારને ઘેરવા વિપક્ષો એક થશે કે કેમ તેના પર સૌની નજર છે.