Melbourne,તા.26
મેલબોર્નમાં આજથી શરૂ થયેલા બોકસીંગ ડે ટેસ્ટમાં મેદાનની અંદર કોહલી-કોંસ્ટાસ વચ્ચે ટકરાવ થયો હતો. તો બીજી તરફ મેદાનની બહાર પણ ભારત અને ખાલીસ્તાની સમર્થકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ તેના પગલે ગંભીર તનાવ સર્જાયો હતો.
ટેસ્ટ મેચ શરૂ થતા પુર્વે જ એકાદ ડઝન ખાલીસ્તાની સમર્થકો ખાલીસ્તાની ઝંડા સાથે ત્રાટકયા હતા અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. જેનો ભારતીયોએ જોરદાર વિરોધ કર્યો હતો. ભારતીયોએ ‘ભારત ઝીંદાબાદ’ના નારા શરૂ કરી દીધા હતા. સામસામી નારેબાજી થઈ હતી. આ ઘર્ષણનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાઈરલ થયો છે.
ભારત-ખાલીસ્તાની સમર્થકોની નારેબાજી-ઝંડા ફરકાવવાની સાથોસાથ ઝપાઝપી થયાનુ પણ વાઈરલ વિડીયોમાં જોવા મળી રહ્યુ છે. આ ઘટનાને પગલે વિકટોરીયા પોલીસ પહોંચી ગઈ હતી અને ભારતીય-ખાલીસ્તાની સમર્થકોને હટાવ્યા હતા.
એમ કહેવામાં આવી રહ્યું છે કે, ખાલીસ્તાની સમર્થકો પાસે મેચની ટિકીટ પણ ન હતી. માત્ર હંગામો સર્જવા જ પહોંચ્યા હતા. પોલીસે મામલો થાળે પાડયો હતો.