Bangladesh,તા.23
બાંગ્લાદેશમાં તાજેતરમાં વાયુસેનાનું એક ટ્રેનર ફાઇટર જેટ ઢાકામાં એક સ્કુલની ઇમારત સાથે અથડાયું. આ અકસ્માતમાં મોટી સંખ્યામાં બાળકોના મોત થયા. ભારતે બાંગ્લાદેશ માટે આ સંકટના સમયમાં મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે કહ્યું છે કે, ‘બાંગ્લાદેશમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે ખાસ ડૉક્ટર્સ અને નર્સીસની એક ટીમ મોકલવામાં આવી રહી છે.
‘ટૂંક સમયમાં એક ખાસ તબીબી ટીમ ઢાકા મોકલવામાં આવશે, જેમાં બર્ન નિષ્ણાત ડૉક્ટર્સ અને નર્સીસનો સમાવેશ થશે. આ સાથે મદદ માટે જરૂરી તબીબી ઉપકરણો પણ મોકલવામાં આવશે. આ ટીમ ઘાયલોની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને ભારતમાં વધુ સારવાર અને વિશેષ સંભાળની ભલામણ પણ કરી શકે છે.હકીકતમાં પીએમ મોદીએ 21 જુલાઈના રોજ થયેલા હવાઈ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું કે, ‘ઢાકામાં થયેલા દુ:ખદ હવાઈ અકસ્માતમાં જાનમાલના નુકસાનથી હું દુઃખી અને આઘાતમાં છું. આ અકસ્માતમાં ઘણા યુવાન વિદ્યાર્થીઓ સામેલ હતા. મારી સંવેદના તેમના પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.’ આ ઉપરાંત પીએમ મોદીએ ખાતરી આપી હતી કે ભારત બાંગ્લાદેશ સાથે ઉભું છે. ભારત શક્ય તેટલી મદદ અને સમર્થન આપવા તૈયાર છે.માહિતી મુજબ, બાંગ્લાદેશ વાયુસેનાના F-7 BGI તાલીમ વિમાને સ્થાનિક સમય મુજબ બપોરે 1:06 વાગ્યે ઉડાન ભરી હતી. લગભગ દોઢ કલાક પછી, વિમાન ઢાકાની માઇલસ્ટોન સ્કૂલની ઇમારત સાથે અથડાયું. આ અકસ્માતમાં લગભગ 31 લોકોના મોત થયાના અહેવાલ છે, જેમાં 25 બાળકોનો સમાવેશ થાય છે. ઉપરાંત લગભગ 165 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.