New Delhi,તા.29
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સુધારો આવતા જ હવે કેનેડા ખાતે ભારતે નવા રાજદૂત તરીકે દિનેશ પટનાયકની નિયુક્તિ કરી છે. કેનેડાએ પણ ભારતમાં તેના નવા રાજદૂત અને પીઢ ડિપ્લોમેટ ગણાતા ક્રિસ્ટોફર કુટરને નિયુક્ત કર્યા છે.
શ્રી પટનાયક 1990 બેચના ઈન્ડીયન ફોરેન્સ સર્વિસના અધિકારી છે અને હાલ તેઓ સ્પેન ખાતે ભારતીય રાજદૂત તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ હવે કેનેડામાં ઓટાવા ખાતે ભારતીય રાજદૂત કચેરીનું કામકાજ સંભાળશે.
અગાઉ 2023માં શીખ અલગતાવાદી નેતાની હત્યાના પગલે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં જબરો તનાવ આવી ગયો હતો અને બંને દેશોએ પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા હતા અને દૂતાવાસની સંખ્યા પણ ઘટાડી દીધી હતી.
જો કે ગત વર્ષે કેનેડામાં નવા વડાપ્રધાન તરીકે માર્ક કાર્ની આવ્યા બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારો શરુ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.17 જૂનના જી-7 બેઠકમાં ભાગ લેવા કેનેડા ગયા હતા ત્યારે જ બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા નિર્ણય લેવાયો હતો.