અમેરિકાની ટેરિફ નીતિનો સ્વીકાર ન કરે તો આ દેશો માટે કપરો સમય આવશે અને વિશ્વના સૌથી મોટા ગ્રાહક સમુદાય સાથે વેપાર કરી શકશે નહીં : લ્યુટનિક
Washington, તા.૧૫
ટેરિફના કારણે ભારત સહિત અનેક દેશો સાથે યુએસના સંબંધો વણસી રહ્યા છે ત્યારે આ યુએસના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લ્યુટનિકે ફરી એક વાર ભારત પર પ્રહાર કર્યો છે. લ્યુટનિકે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે, પોતાના દેશમાં ૧.૪ અબજ વસતી હોવાની ડંફાસો ભારત મારી રહ્યું છે, પરંતુ અમેરિકા પાસેથી એક બોરી મકાઈ પણ ખરીદતું નથી. ભારત, કેનેડા, બ્રાઝિલ જેવા દેશો યુએસના મહત્ત્વના સાથીદાર રહ્યા છે ત્યારે ટેરિફના મુદ્દે યુએસ દ્વારા મહત્ત્વના સંબંધોમાં મિસ-મેનેજમેન્ટ થઈ રહ્યું હોવાના સવાલ સંદર્ભે લ્યુટનિકે કહ્યુ હતું કે, આ સંબંધો વન-વે જેવા છે, તેઓ અમેરિકામાં સામાન વેચે છે અને લાભ લઈ રહ્યા છે. જો કે પોતાના અર્થતંત્રમાં અમેરિકાના પ્રવેશને અટકાવી રહ્યા છે. અમેરિકાએ દરવાજા ખુલ્લા રાખ્યા ત્યાં સુધી તેઓ આવ્યા અને અમેરિકાનો લાભ લીધો હતો. જો કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ન્યાયી અને રેસિપ્રોકલ ટ્રેડની વાત કરી રહ્યા છે. ભારત સંદર્ભે લ્યુટનિકે કહ્યું હતું કે, ભારત હંમેશા ૧.૪ અબજની વસતીની ડંફાસ મારે છે. આટલી બધી વસતી હોવા છતાં યુએસ મકાઈની એક બશેલ (એક બશેલમાં ૩૫.૨ લિટર વજન) પણ શા માટે ખરીદતા નથી? ભારત જેવા દેશો દરેક વસ્તુ પર ટેરિફ રાખે છે અને અમેરિકામાં બધું વેચે છે, પરંતુ અમેરિકાની મકાઈ સુદ્ધાં ખરીદતા નથી. તેથી ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની વાત કરી છે અને ટેરિફ ના ઘટે તો જેવા સાથે તેવાનો અભિગમ અપનાવ્યો છે. આ મુદ્દો ન ઉકેલાય ત્યાં સુધી રેસિપ્રોકલ ટેરિફની નીતિમાં કોઈ સમાધાનની શક્યતાને ફગાવી દેતાં લ્યુટનિકે દાવો કર્યો હતો કે, અમેરિકાની ટેરિફ નીતિનો સ્વીકાર ન કરે તો આ દેશો માટે કપરો સમય આવશે અને વિશ્વના સૌથી મોટા ગ્રાહક સમુદાય સાથે વેપાર કરી શકશે નહીં.