New Delhi, તા.28
ભારત અને 27 દેશોના યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચે થયેલી મહા ડીલ-વ્યાપાર સમજુતીથી ભારતના 6 સેકટરો અને ગુજરાત સહિત 6 થી વધુ રાજ્યોને સૌથી વધુ લાભ થશે. ટેક્સટાઇલ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરીંગ ગુડ્સ, ઇલેક્ટ્રોનિક્સ, જેમ્સ-જ્વેલરી, મરીન પ્રોડક્ટ્સ વગેરે ક્ષેત્રોમાં ગુજરાત અને દેશને મોટો લાભ થશે.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) ગુજરાતના આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થવા જઈ રહ્યા છે. આ કરારથી ગુજરાતના મુખ્ય ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મોટું પ્લેટફોર્મ મળશે અને રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી થશે.
કારણ કે યુરોપિયન યુનિયનના 27 દેશોમાં ભારતની 9425 જેટલી વસ્તુઓ પર ટેરિફ ન માત્રની બરોબર થઈ જશે. ભારતની 99 ટકા નિકાસ હવે કોઈપણ જાતના ટેક્સ વગર યુરોપમાં પ્રવેશી શકશે. જેનો સીધો લાભ ગુજરાત સહિત દેશના નાના મોટા ઉદ્યોગકારો, વેપારીઓને થશે.
ટેક્સટાઇટલમાં ગુજરાતનો દબદબો
માત્ર વસ્તુઓ સસ્તી થશે જ નહીં, પરંતુ ભારતીય કાપડ, ચામડા અને હીરા અને ઝવેરાતના વેપારીઓ માટે એક વિશાળ યુરોપિયન બજાર પણ ખુલશે. ભારતીય કપડાં પરનો ટેરિફ નાબૂદ થવાથી ભારત બાંગ્લાદેશ અને વિયેતનામને પાછળ છોડીને ટેક્સટાઇટલમાં નંબર વન નિકાસકાર બની શકે છે. ભારતની જેનેરિક દવાઓ માટે 27 યુરોપિયન દેશોના બજારો ખૂલશે.
ગુજરાતના જુદા જુદા સેક્ટર્સને થશે સીધો ફાયદો જેમાં ટેક્સટાઈલ્સ અને એપેરલ કાપડ ઉદ્યોગમાં નિકાસની નવી ક્ષિતિજો ખુલે તેવી શક્યતા છે. કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્્સ રસાયણો અને દવાઓના ઉત્પાદનમાં મોટો ઉછાળો આવશે. એન્જિનિયરિંગ ગુડ્સ અને ઈલેક્ટ્રોનિક્સ ઉપરાંત આધુનિક ટેકનોલોજી અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ માટે યુરોપિયન માર્કેટ સરળ બનશે.
જેમ્સ અને જ્વેલરી હીરા-ઝવેરાત ઉદ્યોગને નવો વેગ મળશે. મરીન પ્રોડક્ટ્સ અને ખનિજો સહિત દરિયાઈ ઉત્પાદનોની નિકાસમાં વૃદ્ધિ થવાથી માછીમારી ઉદ્યોગને લાભ થશે, ખનિજો ક્ષેત્રે પણ મોટી તકો ઊભી થશે.
જિલ્લાવાર અપેક્ષિત લાભો જોઇએ તો સુરતની ટેક્સટાઈલ ક્ષેત્રની નિકાસમાં ધરખમ વધારો થશે અને હીરા-ઝવેરાતના વેપારમાં વૃદ્ધિ જોવા મળશે. ભરૂચ-વડોદરાના આ પટ્ટામાં કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગનો વ્યાપક વિકાસ થશે.
રાજકોટ માટે એન્જિનિયરિંગ ગુડ્સ અને ઈલેક્ટ્રોનિક્સની નિકાસ માટે નવા બજારો ઉપલબ્ધ થશે. વેરાવળની વાત કરીએ તો દરિયાઈ ઉત્પાદનો (સી-ફૂડ) ની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે.
યુરોપના કુલ 27 દેશમાં ટેક્સ વગર જશે વસ્તુઓ
યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે, ટેક્સ ઓછો થવાના કારણે ભારતની નિકાસ વધશે, જેની સામે યુરોપની કંપનીઓ ભારતમાં રોકાણ વધારશે, FDI વધશે, નિકાસ અને રોકાણના કારણે ભારતમાં રોજગારીની વધુ તકો ઊભી થશે, સપ્લાય ચેઇનમાં સુધારો થતાં ચીન પરની નિર્ભરતા ઘટશે.
6 સેક્ટર અને 6થી વધુ રાજ્યોને લાભ
ભારત અને યુરોપિયન યુનિય વચ્ચે વ્યાપાર સમજુતીથી 6 સેક્ટર અને 6થી વધુ રાજ્યોનો ખાસ્સો એવો લાભ મળશે. આ બધા સેક્ટરોમાં એમએસએમઇની 50 ટકાથી વધુની ભાગીદારી છે.
ટેક્સટાઇલઃ- આના પર હાલ ઇયુમાં 12 ટકાનો ચાર્જ લાગે છે. વ્યાપાર સમજુતી લાગુ થયા બાદ તે શૂન્ય થઇ જશે. ઇયુ વાર્ષિક 263 અબજ ડોલરના ટેક્સટાઇલની આયાત કરે છે જેમાં ભારતની ભાગીદારી માત્ર 7.2 અબજ ડોલરની છે, એટલે ઝીરો ચાર્જને મોટા મોકા તરીકે જોવામાં આવી રહ્યો છે.
પંજાબમાં લુધિયાણાને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી તરીકે જાણવામાં આવે છે, જ્યારે જલંધરની સ્પોર્ટ્સ ગુડ્સની નિકાસ પહેલાથી જ થઇ રહી છે. આ આઇટમ પરથી ચાર્જ સમાપ્ત થઇ જવાથી નિકાસ વધશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર પોસ્ટમાં આ મહા ડીલને લઇને લખ્યું છે, આ સમજુતી આત્મ નિર્ભર ભારત માટેના મિશનને પ્રોત્સાહન આપે છે. ભારત-ઇયુ વ્યાપાર સમજુતી ભારતની વૈશ્વિક વ્યાપાર સહભાગિતામાં રણનીતિક સફળતાને નિશ્ચિત કરે છે.
શાહે વધુમાં લખ્યું છે કે વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણને અનુરૂપ આ સમજૂતી યુરોપમાં ભારતની પ્રતિભાને સશક્ત બનાવશે.
ટ્રેડ ડીલ બાદ ઈયુમાં ભારતથી થતી નિકાસ પર ટેકસ ઝીરો થઈ જશે, મોટો ઘટાડો થઈ જશે
કેમીકલ્સ, પ્લાસ્ટીક-રબર, લેધર ફુટવેર, સમુદ્રી ઉત્પાદનોમાં ટેકસ શૂન્ય થઈ જશે, જયારે અન્ય ઉત્પાદનોમાં ઘટાડો થશે
નવી દિલ્હીઃ ભારત-ઈયુ ટ્રેડ ડીલથી ભારતના જુદા જુદા 6 સેકટરોને થશે મોટો લાભ.
કેમિકલ્સઃ ઈયુના બજારમાં કેમીકલ્સની નિકાસ પર 13 ટકા ટેકસ લાગે છે. ફાર્મા અને કેમીકલ્સ પર ઈયુના બજારમાં 3-5 ટકા ચાર્જ ટેકસ લાગે છે. જે હવે ઝીરો થઈ જશે. ઈયુ ભારતમાં વર્ષે 500 અબજ ડોલરનું કેમીકલ અને ફાર્મા આયાત કરે છે, જેમાં ભારતની ભાગીદારી માત્ર 10 ટકા છે.
પ્લાસ્ટીક-રબરઃ ઈયુ વર્ષ 317 અબજ ડોલરના પ્લાસ્ટીક અને રબરની આયાત કરે છે. તેમાં ભારતની ભાગીદારી માત્ર 2-4 અબજ ડોલરની છે. જે હવે શૂન્ય થઈ જશે.
લેધર ફુટવેરઃ આના પર હાલમાં 17 ટકા ટેકસ લાગે છે. સમજુતી બાદ શૂન્ય થઈ જશે. ઈયુ વર્ષે 100 અબજ ડોલરના લેધર ફુટવેરની આયાત કરે છે તેમાં ભારતની ભાગીદારી માત્ર 2.4 અબજ ડોલરની છે.
સમુદ્રી ઉત્પાદનઃ ઈયુ હાલ ભારતીય સમુદ્રી ઉત્પાદનો પર 26 ટકા ચાર્જ વસુલે છે જેથી ઈયુનુ સમુદ્રી ઉત્પાદનોની નિકાસ નથી વધતી. સમજુતી બાદ આ ટેકસ ઝીરો થઈ જશે. ઈયુ વર્ષે 53 અબજ ડોલરના સમુદ્રી ઉત્પાદનો આયાત કરે છે.
જેમ્સ જવેલરીઃ આમાં ઈયુ 4 ટકા ટેકસ લગાવે છે. ભારત ઈયુને 2.7 અબજ ડોલરની જેમ્સ જવેલરીની નિકાસ કરે છે.
આ ઉપરાંત વાઈન, કાર, સ્ટીલ વગેરેની ભારત-ઈયુમાં નિકાસ કરે છે, જેમાં ટ્રેડ ડીલ બાદ ટેકસમાં ઘટાડો થઈ શકે છે.

