Washington,તા.04
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે ભારત સામે પણ તેમણે 25 ટકા ટેરિફ લાદ્યો છે. આ દરમિયાન, વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે મોટાભાગના ટેરિફ દરોને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે અને હવે આ દરોમાં ફેરફારની કોઈ શક્યતા નથી.
ટેરિફ અંગે, વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકાર કેવિન હેસેટે કહ્યું છે કે, મોટાભાગના ટેરિફ દરો લગભગ અંતિમ છે અને બજારની નકારાત્મક પ્રતિક્રિયા છતાં તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ વેપાર સલાહકાર જેમિસન ગ્રીરે પણ આ જ વાત કહી છે. ગ્રીરના મતે,અમેરિકાના ટેરિફ દરો ’લગભગ નિશ્ચિત’ છે અને તેમાં વાટાઘાટો માટે હવે કોઈ અવકાશ નથી. આ દરો 10% થી 41% સુધીના છે અને ભારત, યુરોપિયન યુનિયન, બ્રાઝિલ સહિત ઘણા અમેરિકન વેપાર ભાગીદારોને તે અસર કરશે.
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકારના મંત્રી, અધિકારીઓ સતત ભારત વિરુદ્ધ બેફામ નિવેદનો કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ અત્યાર સુધી સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ એક ડઝનથી વધુ નિવેદનો આપ્યા છે. હવે વ્હાઈટ હાઉસમાં તેમના ટોચના સલાહકાર સ્ટીફન મિલરએ પણ ભારત વિરૂધ્ધ ઝેર ઓક્યું છે.
મિલરે ભારત પર યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો સીધો આરોપ લગાવ્યો છે. મિલરના આ નિવેદનથી ચકચાર મચી ગઈ છે. વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પના અગ્રણી સલાહકાર સ્ટીફન મિલરએ ભારત પર વોર ફંડિંગનો આક્ષેપ કર્યો છે. મિલરે કહ્યું કે, ભારત માટે રશિયા પાસેથી તેલ ખરીદીને આ યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનું ચાલુ રાખવું સ્વીકાર્ય નથી.
સ્ટીફન મિલરના નિવેદન પરથી ફલિત થાય છે કે, ભારત અને અમેરિકા મુખ્ય ઈન્ડો-પેસિફિક ભાગીદારો હોવા છતાં, દિલ્હી પ્રત્યે વોશિંગ્ટનનું આકરું વલણ અપનાવી રહ્યું છે. જોકે મિલરે ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોને મજબૂત અને અદ્ભુત ગણાવ્યા હતા.
નિષ્ણાતો માને છે કે, રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર દંડ લાદવો એ ભારતના સાર્વભૌમત્વ પર સીધો પ્રહાર છે. નિષ્ણાતો કહે છે કે અમેરિકા કેવી રીતે નક્કી કરી શકે છે કે ભારતે કોની સાથે કેવા સંબંધો રાખવા જોઈએ. ભારત સરકારે સ્પષ્ટ કર્યુ છે કે તે તેની ઊર્જા વ્યૂહરચનામાં કોઈ ફેરફાર કરશે નહીં. ભારતનો તર્ક છે કે રશિયા પાસેથી તેલ ખરીદવું તેની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને આર્થિક જરૂરિયાતો સાથે સંબંધિત છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ સંકેત આપ્યો છે કે, જો કોઈ દેશ રશિયા પાસેથી ઊર્જા આયાત કરવાનું ચાલુ રાખે અને તેના પરિણામે યુક્રેનમાં શાંતિ સ્થાપિત ન થાય તો અમેરિકા 100% સુધી ટેરિફ લાદી શકે છે.
સંકેતો સ્પષ્ટ છે કે જો ભારત રશિયા પાસેથી ઊર્જાની ખરીદી યથાવત રાખે છે તો આગામી સમયમાં ટ્રમ્પ વહીવટીતંત્રના કાર્યકાળ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો વધુ કડવાશભર્યા બની શકે છે.