Mumbai,તા.12
વૈશ્વિક ફોરેકસ રિઝર્વનો આંક ૧૨.૫૦ ટ્રિલિયન ડોલર છે જ્યારે વર્તમાન વર્ષના ૨૭ જૂનના સપ્તાહના અંતે ભારતના ફોરેકસ રિઝર્વનો આંક ૭૦૨.૭૮ અબજ ડોલર રહ્યો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે હાલમાં ૮૮૦ ટન ગોલ્ડ રિઝર્વ પડયું હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. ૨૩ ટ્રિલિયન ડોલરની વૈશ્વિક ગોલ્ડ બજારમાં ભારતનો હિસ્સો ૧૫% છે એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. અત્યાર સુધી ખાણમાંથી બહાર કઢાયેલા સોનામાંથી ૬૫% સોનાનું જ્વેલરીમાં રૂપાંતર થયેલું છે. જ્યારે ગ્લોબલ રિઝર્વના ૫% પણ જો સોના તરફ વળી જાય તો સોનાના ભાવમાં નોંધપાત્ર રેલી જોવા મળી શકે છે. જો કે આટલી માત્રામાં ગ્રહણ કરી શકાય તેટલુ સોનુ ઉપલબ્ધ નહીં હોવાની પણ રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે.
હાલની વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનું એક વિશ્વસનિય વૈક્લ્પિક રોકાણ સાધન બની રહ્યું છે. ૨૦૨૪માં વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કોએ કુલ ૮૪ અબજ ડોલરના મૂલ્ય જેટલા સોનાની ખરીદી કરી હતી જ્યારે વર્ષ૨૦૦૦થી ૨૦૧૬ સુધીના સોળ વર્ષના ગાળામાં આ બેન્કોએ ૮૫ અબજ ડોલરના મૂલ્યના સોનાની ખરીદી કરી હતી. એક જ વર્ષમાં સોનાની આટલી જંગી માત્રામાં ખરીદી મોટાભાગના દેશો પોતાના રિઝર્વમાં ડોલર સિવાયની એસેટસ પણ જાળવવા માગતા હોવાનું સૂચવે છે.